ડુંગળીના આસમાને પહોંચલા ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને તેની અસર બજારમાં દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે. કેન્દ્ર સરકારે ડુંગળની આયાતને વધારવા માટે તેની સમય મર્યાદા લંબાવીને 30 નવેમ્બર કરી દીધી છે. સાથે જ આયાત સંબંધિત નિયમોમાં રાહત આપી જેથી સત્વરે આયાતી માલ સ્થાનિક બજારમાં ઠલવાય અને ભાવ નિયંત્રણમાં રહે.

એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં 80થી 100 જેટલા ડુંગળીના કન્ટેઇનર ભારતના બંદરે આવી પહોંચશે. નોંધનિય છે કે, છેલ્લા પખવાડિયાની અંદર ડુંગળીના ભાવ બમણાં ઉછળામાં રૂ. 80થી 100 પ્રતિ કિગ્રા થઇ ગયા હતા જેના પગલે આર્થિક સંકડામણ વચ્ચે લોકો ઉપર ફરી મોંઘવારીનો માર પડી રહ્યો છે. જનતાના આક્રોશન જોતા સરકારે આયાતને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે, દેશમાં ડુંગળીની આયાત વધારવા માટે તેની સમય સીમા વધારીને 30 નવેમ્બર કરાઇ છે જેથી સ્થાનિક બજારમાં ભાવ અંકુશમાં રહે. અફઘાનિસ્તાન, મિસ્ત્ર, તુર્કી અને ઇરાન સ્થિત ભારત એકમોને ડુંગળીની આયાત કરવા નિર્દેશ અપાયા છે.

આગામી પખવાડિયાની અંદર ભાવ ઘટી જશે
ડુંગળીના ભાવ આગામી પખવાડિયાની અંદર ઘટી જશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં ડુંગળીના નવા પાકની આવક શરૂ થઇ ચૂકી છે. મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં 400તી વધારે સફલ વેચાણ કેન્દ્રો મારફતે બફર સ્ટોકમાંથી 24.90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અપેક્ષા છે કે ટૂંક સમયમાં 80થી 100 જેટલા ડુંગળીના કન્ટેઇનર ભારતના બંદરે આવી પહોંચશે.

સરકાર પાસે હજી પણ 1525 ટન ડુંગળીનો બફર સ્ટોક
રામ વિલાસ પાસવાને કહ્યું કે, સરકારના બફર સ્ટોકમાં 57 હજાર ટન ડુંગળીનો જથ્થો હતો જેનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટોકનો 25 ટકા માલ ખરાબ થઇ ચૂક્યો છે. હજી પણ કેન્દ્રીય બફર સ્ટોકમાં 1525 ટન ડુંગળીનો જથ્થો છે.