ગુજરાત અને દેશભરના વેપારીઓને GST રિટર્ન સબમિટ કરવા છે પરંતુ GST પોર્ટલ ઠપ થઇ જતાં રિટર્ન સબમિટ થતા નથી. GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે. GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું.
GSTR-9 તથા GSTR-9C સબમિટ કરવા માટે વેપારીઓ તથા ટેક્સ પ્રેક્ટિશનર્સ પ્રયાસ કરી રહ્યા છે. વાર્ષિક રિટર્ન માટેની તમામ માહિતી તૈયાર હોવા છતાં GSTનો પોર્ટલ ઠપ હોવાથી રિટર્ન ફાઇલ થતા નથી. બીજી તરફ, ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓ પાસેથી લેટ ફીની નોટિસ કાઢવામાં આવી રહી છે. આ મુદ્દે વારંવર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. તેને પગલે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.
તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.