ગુજરાતમાંથી સનદીઓ અધિકારીઓ દિલ્હી ડેપ્યુટેશન પર જઇ રહ્યા છે. એક પછી એક અધિકારીઓએ રાજધાનીની વાટ પકડી છે. ગુજરાત કેડરનાં વધુ એક આઇએએસ અધિકારી રવિ કુમાર અરોરાને વિદેશ મંત્રી એસ.જયશંકરનાં અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. અરોરા ગુજરાત કેડરનાં 2006નાં આઇએએસ અધિકારી છે. તેઓ પૂર્વ વિદેશ સચિવ અને હાલમાં વિદેશમંત્રી એસ જયશંકરનાં અંગત સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. રવિકુમાર અરોરા ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતાં. હવે તેઓ ડેપ્યુટેશન પર દિલ્હી જશે.

ભારત સરકારનાં ટ્રેનિંગ અને પર્સોનલ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદેશ મંત્રાલયમાં વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરનાં અંગત સચિવ તરીકે રવિ કુમાર અરોરાની નિયુક્તિનાં પ્રસ્તાવને પાંચ વર્ષનાં સમયગાળા માટે ઉપસચિવ સ્તરે અથવા તેનાં સહ-ટર્મિનસનાં આધારે મંજૂરી આપી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા, તેમજ ડી.થારા અને ગુરૂપ્રસાદ મહાપાત્રાને કેન્દ્રમાં નિમણૂંક મળી છે. તાજેતરમાં જ ગુજરાત મેરિટાઇમ બોર્ડનાં પૂર્વ ચેરમેન અને ગુજરાત કેડરનાં સનદી અધિકારી અજય ભાદુને રાષ્ટ્રપતિ ભવનામાં સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.