ગુજરાત કોંગ્રેસના નવસર્જનની કસરત પુરી થઇ ચુકી છે. 22મી ઓક્ટોબરના રોજ ગુજરાતના કોંગ્રેસી આગેવાનોની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે થયેલી બેઠક બાદ હવે ફક્ત જાહેરાત થવાની ઔપચારિકતા બાકી રહી છે.
કોંગ્રેસના અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશના પ્રમુખ પદે ઠાકોર સમાજના કદાવર નેતા અને કોંગ્રેસના વફાદાર કાર્યકર ગણાતા જગદીશ ઠાકોરની નિમણુંક કરવામાં આવશે. જયારે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે સૌરાષ્ટ્રના પાટીદાર અને આક્રમક છબી ધરાવતા વીરજી ઠુમ્મરની નિમણુંક કરવામાં આવશે. ઉનાથી કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને, દક્ષિણ ગુજરાતના અનંત પટેલને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે.
હાર્દિક પટેલને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિકને ગુજરાત વિધાનસભા ચૂંટણીની કેમ્પેઇન કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી આપવામાં આવશે. ભરતસિંહ સોલંકીને કેન્દ્રીય સ્તરે કોઈ રાજ્યના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવશે. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીને પણ કાર્યકારી પ્રદેશ પ્રમુખ અથવા વિધાનસભામાં દંડક તરીકેની જવાબદારી સોંપાય એમ સૂત્રોનું કહેવું છે.
અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ જેવા પીઢ કોંગ્રેસી નેતાઓનું ભાવિ હાલમાં અનિશ્ચિત હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનોને કડક શબ્દોમાં સૂચના આપીને જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસ જુથવાદથી પર રહે. કનુભાઈ કાલસરીયાને પ્રદેશ કોંગ્રેસ સ્તરે ખેડૂત સંગઠનની જવાબદારી મળે એમ સૂત્રો જણાવે છે.
હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણીનો મહત્તમ ઉપયોગ કનૈયા કુમારને સાથે રાખીને રાષ્ટ્રીય રાજકારણમાં કરવાનું કોંગ્રેસ હાઈ કમાન્ડનું ગણિત હોય એમ પ્રાપ્ત જાણકારી મુજબ લાગી રહ્યું છે.