દિલીપ પટેલ
અમદાવાદ, 19 ઓગસ્ટ 2024
Gujarat: કુદરતી રબરની માંગ વધી રહી છે, તેથી રબરનું ઉત્પાદન વધારવાની જરૂર છે.
Gujarat આ જરૂરિયાતોને પહોંચીવળવા માટે ગુજરાતના દક્ષિણ ભાગમાં રબરની ખેતીના પ્રયોગ સફળ થયા છે.
પ્રથમ છોડ
વાઇસ ચાન્સેલર ડો. ઝેડ. પી. પટેલ જુલાઈ 2022 માં NAU ના કૃષિ પ્રયોગ સ્ટેશન (AES), પરિયા ખાતે ડૉ. કે. એન. રાઘવન, નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય વિજ્ઞાનીઓ અને RRII, કોટ્ટાયમ અન્ય વિજ્ઞાનીઓની હાજરીમાં ગુજરાતમાં પ્રથમ રબરનું વાવેતર કર્યું હતું.
1200 રોપા
દક્ષિણ ગુજરાતમાં 2022માં રબર ક્લોન RRII-430ના – રબ્બરના 1200 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 600 રોપા પરિયા રિસર્ચ સ્ટેશન ખાતે અને અન્ય 600 રોપાઓનું સ્થળ ટ્રાયલ તરીકે દક્ષિણ ગુજરાતના અન્ય સ્ટેશનો પર વાવેતર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં નવસારી કૃષિ યુનિવર્સિટીના 14 સંશોધન કેન્દ્રોમાં રબરની વિવિધતા RRII-430 વાવવામાં આવ્યા છે.
બીજા 2 હજાર રોપા વવાયા
આશાસ્પદ પરિણામો અને કામગીરીને જોતાં, 2023 માં રાજેન્દ્રપુર ફાર્મ, હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, વઘાઈ ખાતે 2000 વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રસ્તાની બાજુમાં એગ્રોનોમી ફાર્મ, નવસારીમાં રબર પ્લાન્ટ કોરિડોર બનાવ્યો છે. જેથી ખેડૂતો અને મુલાકાતીઓ આવીને રબ્બરના છોડની પ્રગતિ જોઈ શકે. ખેડૂતોની આવક સારી એવી થઈ શકે છે.
કોરિડોર
2 એપ્રિલ, 2024 ના રોજ વાઇસ ચાન્સેલર ડો. ઝેડ. પી.પટેલ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં રબરના છોડના કોરિડોરનું આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું હતું. નવસારીએ કૃષિ વિશ્વવિદ્યાલય 2022માં રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (RRII), કોટ્ટાયમ (કેરલા) સાથે એમઓયુ કર્યા હતા. તેનો અમલ કરીને ગુજરાતમાં રબરના વાવેતરની શક્યતા અંગે સંશોધન શરૂ કર્યું છે.
રબર બોર્ડની તરફેણ
રબર બોર્ડના કાર્યકારી નિયામક જે.કે. એન. રાઘવને ગુજરાતમાં ડેમ અને સામાજિક વનીકરણના ક્ષેત્રોમાં વાવેતરની તરફેણ કરી છે. નીલગિરી અને કેસુઆરીના વૃક્ષોનો સારો વિકલ્પ બની શકે છે.
ડો. ઝેડ. પી. પટેલ
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને કેરળમાં મોટાભાગના રબર ઉત્પાદન વિસ્તાર 19.1 એગ્રો-ઇકોલોજીકલ સબરીજીયન્સ (એએસઆર) હેઠળ આવે છે. આ વિસ્તારોમાં ગરમ-ભેજવાળું વાતાવરણ હોય છે જેમાં મધ્યમથી અત્યંત લોમી લાલ-કાળી લોમ જેવી જમીન અને મધ્યમથી ઉચ્ચ ઉપલબ્ધ પાણીની સંભાવના હોય છે.
વાઇસ ચાન્સેલર ડૉ. ઝેડ. પી.પટેલ કહે છે કે, 11 જૂન 2024માં હું પ્લાન્ટેશન જોઈ આવ્યો હતો. પૂર્વ પટ્ટીમાં સારો વિકાસ છે. તેથી ગુજરાતમાં રબરની ખેતી થઈ શકે એવી આશા હવે બંધાઈ છે. દરેક કેન્દ્ર પર 50 છોડ છે. આવા 15 કેન્દ્રો પર છોડ લાવેલા છે. પરિયા સંશોધન કેન્દ્રમાં 1200 લગાવેલા છે. ઉત્પાદન મળતા 5 વર્ષ નીકળી જશે. ઉનાળામાં પાણી ઘણું જોઈએ છે.
શેઢા પર કે ખેતરમાં શરૂ અને નીલગીરીના વાવેતર કરવાથી બીજા પાકને નુકસાન થાય છે. તેના પાન ખરવાથી જમીનમાં પ્રાણવાયુ જતો નથી. વૃક્ષની આસપાસ 15 ફૂટ સુધી કોઈ પાક લઈ શકાતો નથી. ત્યારે આ પાકના સ્થાને રબરના વૃક્ષો શ્રેષ્ઠ છે.
વળી અમે કેરાલાની રબર સંસ્થાઓને સૂચન કર્યું હતું કે રબરના વૃક્ષોનો ઉછેર સોશિયલ ફોરેસ્ટ્રી તરીકે થઈ શકે છે. એમને સૂચન પસંદ આવ્યું હતું. વળી દક્ષિણ ગુજરાતમાં બિન નિવાસી ગુજરાતીની મોટી જમીન છે. જેમાં બીજા વૃક્ષો ઉગાડવા કરતાં રબરની ખેતી સારી થઈ શકે તેમ છે.
પ્રાઈમરી પ્રોસેસ બધા ખેડૂતો જાતે કરી શકે છે. રબરના સફેદ પાણીને સુકવીને ફેક્ટરીઓને આપી શકે છે. શેરડીના કોલા જેવો સંચો મૂકીને ખેડૂત ખેતર પર જ પ્રોસેસ કરી શકે છે. કેરાલામાં આવું જ કરે છે.
વાપીથી 40 કિલોમીટર દૂર ડચકારીમાં મહારાષ્ટ્રમાં કેરાલાના કેટલાક લોકોએ પ્રોસેસીંગ યુનિટ કર્યા છે. તેમ ડૉ. ઝેડ. પી.પટેલે અંતમાં જણાવ્યું હતું.
પ્રયોગ સફળ
દક્ષિણ ગુજરાતમાં જ્યાં આબોહવા અને જમીન ખેતી માટે અનુકૂળ છે ત્યાં રબરની ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે. આ હેતુસર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંશોધન કેન્દ્રો પર આ સંદર્ભે નિદર્શન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં સફળતા મળી રહી છે તેમ કુલપતિ ડો. ઝેડ. પી. પટેલ માની રહ્યાં છે. જન્મ દિવસની ઉજવણીમાં પણ રબરના છોડની ડિઝાઇનથી સુશોભિત ખાસ તૈયાર કરેલી કેક તૈયાર કરવામાં આવી હતી.
ખેતી
મોટાં વૃક્ષોના થડમાં કાપા કરીને સફેદ રસ કાઢવામાં આવે છે. મોટાભાગનું રબર અમેરિકાના એમેઝોનના જંગલોમાં હેવિયા બ્રાઝિલિએન્સિસમાંથી મેળવવામાં આવે છે. હવે ભારતના ત્રાવણકોર, કોચીન, મૈસુર, મલબાર, કુર્ગ, સાલેમ અને શ્રીલંકામાં ઉગાડવામાં આવે છે.
ઝાડ પાંચ વર્ષનું થાય છે, ત્યારે ઝાડમાંથી રબરનો રસ નીકળવાનું શરૂ થાય છે. 40 વર્ષ સુધી રસ આપે છે. એક એકરમાં 150 વૃક્ષો વાવવામાં આવે છે. તેમાંથી 68 થી 226 કિલો રબર મળે છે. દર વર્ષે એક ઝાડમાંથી લગભગ 2720 ગ્રામ રબર મળે છે.
ગંધ વગરનો રસ સુકાય એટલે તેનું વજન 32 ટકા થાય છે. રબરનું દૂધ પાણી કરતાં હળવું હોય છે. જેમાં રબર ઉપરાંત, રબરના સત્વમાં રેઝિન, ખાંડ, પ્રોટીન, ખનીજ ક્ષાર હોય છે.
કેરળ અને ગુજરાતનું સરખી આબોહવા
દક્ષિણ ગુજરાત અને કેરળ રાજ્યની આબોહવા લગભગ સરખી હોવાથી ત્યાં સરળતાથી પાક ઉગાડવાની શક્યતા નકારી શકાતી નથી. કોટ્ટાયમ (કેરલા) ના રબર બોર્ડ અને નવસારી કૃષિ યુનિવર્સિટી વચ્ચે 2022 માં સમજૂતી કરીને દક્ષિણ ગુજરાતમાં રબરની ખેતી માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. 12 જૂલાઈ 2022ની સમજૂતી પ્રમાણે નવસારી કૃષિ યુનિવર્સિટીના પેરિયા ફાર્મ ખાતે એક હેક્ટરમાં રબરના વાવેતરની સ્થાપના કરવાની હતી. ઉપરાંત પ્રદેશની વિવિધ કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓમાં મૂલ્યાંકન માટે યુનિવર્સિટી 13 સંશોધન ફાર્મમાં પ્રાયોગિક ટ્રાયલ શરૂ કરવાના હતા.
ગુજરાતને સન્માન
રબર બોર્ડ અને કેરળની ડિજિટલ યુનિવર્સિટીએ કેરળના રબર ઉત્પાદકો માટે કોમ્પ્રિહેન્સિવ રબર ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. 23 માર્ચ, 2023 ના રોજ કેરળના કોટ્ટાયમમાં ભારતીય રબર સંશોધન સંસ્થામાં CRISP ના લોકાર્પણ સમારોહમાં વાઇસ ચાન્સેલર ડૉ. ઝેડ. પી.પટેલને ‘મુખ્ય મહેમાન’ તરીકે આમંત્રિત કર્યા હતા. રબર બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. કે. એન. રાઘવન હાજર હતા.
કેન્દ્ર સરકારની પહેલી પસંદ ગુજરાત
ઉત્પાદન વધારવા માટે રબર બોર્ડ દેશમાં કુદરતી રબર હેઠળના વિસ્તાર વધારવા કામ કરે છે. જેમાં ગુજરાતમાં વધુ વરસાદ ધરાવતા દક્ષિણ ગુજરાતને પસંદ કર્યું છે. નેચરલ રબરએ કૃષિનો મહત્વપૂર્ણ ઔદ્યોગિક કાચો માલ છે. રબરનો ઉપયોગ 40 હજાર ઉત્પાદનોમાં થાય છે જે દેશના આર્થિક અને વ્યાપારી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
આર્થિક સહાય
કેન્દ્ર સરકારે નાણાકીય પેકેજ રૂ. 576 કરોડથી વધારીને રૂ. 709 કરોડ કર્યું છે. આ યોજના હેઠળ, રબર બોર્ડ નવા વાવેતર અને પુનઃપ્લાન્ટિંગ માટે ઉત્પાદકોને સબસિડી આપે છે. 2025-26 સુધીમાં 16 હજાર હેક્ટર વિસ્તાર રબરની ખેતીનો વધારાનો છે. જેમાં દક્ષિણ ગુજરાત સારો ફાળો આપી શકે તેમ છે. સામાન્ય ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 40 હજાર સરકાર મદદ કરવાની છે. 2 લાખ હેક્ટરમાં હાલ નવા વાવેતર ચાલી રહ્યાં છે. આદિવાસીઓ માટે હેક્ટર દીઠ રૂ. 2 લાખ સહાય આપવામાં આવે છે.
દેશમાં રબર સંશોધન માટે રૂ. 29 કરોડ પણ આપ્યા છે.
ઉત્પાદન
દેશમાં 13 લાખ રબર ઉત્પાદન કરતા ખેડૂતો અને કંપનીઓ છે.
કેરળ રાજ્યમાં રબર એક મહત્વપૂર્ણ પાક છે. દેશમાં ઉત્પાદિત કુદરતી રબરમાંથી 75 ટકા હિસ્સો એકલા કેરળનો છે. કેરળમાં 2022-23માં 6 લાખ ટન કુદરતી રબ્બર પેદા થયું હતું. ત્રિપુરામાં 90 હજાર ટન કુદરતી રબરનું ઉત્પાદન કર્યું હતું. 2022-23માં દેશમાં કુદરતી રબરનો વપરાશ 13 લાખ ટન હતો. જે કુલ વપરાશના 50 ટકા હતો. કેરળ, ત્રિપુરા પછી તામિલનાડુ રાજ્યનો ક્રમ આવે છે. ભારતમાં, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ત્રિપુરા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગોવા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં 8.27 લાખ હેક્ટરમાં રબરની ખેતી થાય છે.
અમદાવાદ રિવરફ્રંટ પરની સાબરમતી નદી પર રબરનો પુલ બનાવવાની યોજના અમદાવાદ મહાનગરપાલિકાએ બનાવી છે. જો તે સફળ થશે તો ગુજરાતમાં રબરની માંગ ઘણી વધવાની છે.
આયાત
ભારત મોટાભાગે વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી થતી આયાત પર નિર્ભર છે. ભારત આઇવરી કોસ્ટમાંથી કુદરતી રબરનો મોટો હિસ્સો પણ આયાત કરે છે.
ઉત્પાદન અને વપરાશ વચ્ચેના તફાવતને કારણે રૂ. 8 હજાર કરોડની આયાત કરવી પડે છે. તે ઓછી કરી શકાશે.
લગભગ 12 લાખ ટન વાર્ષિક વપરાશ સાથે ભારત કુદરતી રબરનો વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. જેમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં રબ્બર પ્લાન્ટ
60,000 મેટ્રિક ટન હશે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કે જામનગરમાં 60 હજાર ટનની ક્ષમતા સાથે રિલાયન્સ અને બ્યુટાઈલ રબર હેલોજીનેશન પ્લાન્ટ શરૂ કરવાના છે.
કુદરતી રબરના ઉત્પાદનમાં ભારત છઠ્ઠા અને વિશ્વ વપરાશમાં બીજા ક્રમે છે. ભારતમાં રબર ઉદ્યોગ રૂ. 12,000 કરોડનો હોવાનો અંદાજ છે, તેમાં હવે ગુજરાત પણ આવી ગયું છે. બીજો પ્લાંટ ગોવિંદ રબ્બર રૂ. 750 કરોડના ખર્ચે ગુજરાતમાં આવી રહ્યો છે.