ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંદાજે 50 કરોડ લોકોને નિ:શુલ્ક સારવારની સુવિધા પૂરી પાડવા માટે “આયુષ્માન ભારત” યોજનાની શરૂઆત કરી હતી. જે PM મોદીની એક મહત્વકાંક્ષી યોજના હતી, પરંતુ હવે તેમના જ ગૃહરાજ્ય ગુજરાતમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટના લીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. આ યોજનામાં જે કૌભાંડ બહાર આવ્યું છે, તે ખરેખર ચોંકવનારું છે. જેમાં ગુજરાતના એક જ પરિવાર પાસેથી 1700 આયુષ્માન કાર્ડ મળ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ યોજના અંતર્ગત બે લાખ કરતા વધારે નકલી ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની IT સિસ્ટમ મારફતે થયો છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. નકલી કાર્ડ બનાવીને પૈસા પડાવવાના સૌથી વધુ કિસ્સાઓ ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાંથી સામે આવ્યા છે. જે લોકો આ યોજનાનો લાભ લેવાને લાયક નથી, તેવા લોકોએ પણ આયુષ્માન કાર્ડ બનાવી લીધા છે.
આ અંગે NHAના ડેપ્યૂટી CEO પ્રવિણ ગેડામે જણાવ્યું કે, રાજ્યો પાસેથી સંપૂર્ણ આંકડાઓ મંગાવવામાં આવી રહ્યાં છે. જે બાદ સ્થિતિ વધારે સ્પષ્ટ થઈ જશે. આ નકલોને પકડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે.
આ ગરબડની આશંકા ત્યારે ઉદ્દભવી, જ્યારે ખાનગી હોસ્પિટલોએ સરકારને સારવાર માટે મોટા-મોટા બિલો મોકલવાનું શરૂ કર્યું. જેમાંથી અનેક બિલોની ચૂકવણી કરવામાં આવી. જો કે આ કૌભાંડ સામે આવ્યા બાદ સરકારે આ હોસ્પિટલો પાસેથી 4 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત ખોટા બિલો મોકલનાર 150થી વધુ હોસ્પિટલોને આ યોજનામાંથી બહાર કરી દેવામાં આવી છે.