ઘણા લાંબા ઇન્તેજાર બાદ આજે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આતંકવાદ અને બીજા ગંભીર ગુનાઓ વિરુદ્ધનો કાયદો ગુજકોક (The Gujarat Control of Organised Crime Act)ને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 2015માં ગુજરાત વિધાનસભાએ આ બિલ પસાર કર્યુ હતુ.
આજે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરતાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘ગુજકોકને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગઈ છે. બિલમાં જે જોગવાઈઓ છે તેના કારણે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે લડવા માટે મહત્વપુર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન આજે સાકાર થઈ ગયુ છે.’
ટૂંક સમયમાં આ કાયદો અમલમાં આવ્યા બાદ ટેપ કરેલી ફોનની વાતચીતને હવે લીગલ પુરાવા માનવામાં આવશે. આ ઉપરાંત એક વિશેષ ન્યાયાલયના નિર્માણની સાથે વિશેષ સરકારી વકીલની પણ જોગવાઈ છે. હવે સરકાર સંગઠિત ગુનાઓમાં સંડોવાયેલા લોકોની સંપત્તિ જપ્ત કરી શકશે અને સંપત્તિને ટ્રાંસફર કરવાની પ્રક્રિયાને પણ રદ્દ કરી શકશે.
અહીં એ નોંધવું ઘટે કે આ બિલ નરેન્દ્ર મોદીના ભેજાની ઉપજ છે. 2004માં તેઓના મુખ્યમંત્રીકાળ દરમીયાન ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આર્થિક અપરાધીઓને પર સકંજો કસવા ગુજકોકનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ન હતી. ત્યાર બાદ પણ વખતો વખત સુધારાઓ સાથેનાં બિલ રજૂ કરાયાં હતાં પણ અને બિલોને મંજૂરી મળી નહોતી. પરંતુ હવે આખરે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં હવે તેને કાયદાનું સ્વરૂપ મળશે.