જો તમે કોઈ એવું બેંક ખાતુ ખોલાવ્યું હોય, જેનો ઉપયોગ તમે નથી કરી રહ્યા, તો એ બેંક ખાતાને બંધ કરાવવું તમારા ભલા માટે જ છે. કારણ કે, તમારે ખાતુ રાખવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડે છે. આ સાથે જ આવું નહીં કરવા પર બેંક તમારી પાસેથી ભારે ચાર્જ વસૂલે છે.
આ અંગે એક્સપર્ટે જણાવ્યું કે, જો તમે કોઈ બેંક ખાતુ બંધ કરાવો છો, તો તેની સાથે સંકળાયેલા તમામ જરૂરી દસ્તાવેજ તમારે ડી-લિન્ક કરાવવા પડશે. કારણ કે, બેંકના ખાતામાં રોકાણ, લોન, ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને વીમા સાથે સંકળાયેલા પેમેન્ટ લિન્ક હોય છે. તો ચાલો તમને જણાવીએ કે, કેવી રીતે તમે તમારૂ ખાતું બંધ કરાવી શકો છો.
હાલના સ્પર્ધાના સમયમાં અવારનવાર લોકો નોકરી બદલતા રહે છે. એવામાં દરેક કંપની પોતાની રીતે કર્મચારીઓના સેલેરી ખાતા ખોલાવે છે. જો કે ગત કંપની વાળુ ખાતું લગભગ નિષ્ક્રિય થઈ જાય છે. કોઈ પણ સેલેરી એકાઉન્ટમાં ત્રણ મહિના સુધી પગાર ના પડે, તો તે આપોઆપ સેવિંગમાં કન્વર્ટ થઈ જાય છે.
બચત ખાતામાં બદલાઈ જતા એ ખાતા માટે બેંકના નિયમો પણ બદલાઈ જાય છે. આ નિયમો પ્રમાણે ખાતામાં ઓછામાં ઓછી રકમ રાખવી પડે છે. જો તમે આ રકમ નહીં રાખો,તો બેંક તમારી પાસેથી પેનલ્ટી વસૂલે છે અને તમારા ખાતામાં રુપિયા એની મેળે કટ થઈ જશે.
આ ઉપરાંત અનેક બેંકોમાં ખાતું ધરાવતા હોવાના કારણે તમારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા સમયે અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા દરેક બેંક ખાતા સાથે સંકળાયેલી જાણકારી આપવી આવશ્યક થઈ જાય છે. આ સાથે જ તમામ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ એટેચ્ડ કરવું માથાનો દુખાવો બને છે.
ખાતુ બંધ કરવા સમયે તમારે ડી-લિંકિંગ ખાતા માટે ફોર્મ ભરવું પડી શકે છે. બેંકની શાખાઓમાં એકાઉન્ટ ક્લોજર ફોર્મ ઉપલબ્ધ હોય છે. જેમાં આ ફોર્મમાં ખાતુ બંધ કરવાનું કારણ દર્શાવવું પડશે. જો તમારુ જોઈન્ટ બેંક એકાઉન્ટ હશે, તો ફોર્મ પર તમામ ખાતાધારકોની સહી હોવી જરૂરી છે.
આ સિવાય તમારે અન્ય એક ફોર્મ પણ ભરવું પડશે. જેમાં તમારે જે-તે બેંક ખાતાની જાણકારી આપવી પડશે. જેમાં તમે બંધ થનારા એકાઉન્ટરમાં બચેલા રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો. ખાતુ બંધ કરાવવા માટે તમારે બેંકની શાખામાં રૂબરૂ જવું પડશે.
બેંકમાં ખાતુ ખોલવાના 14 દિવસની અંદર તેને બંધ કરાવવા પર બેંક કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી વસૂલતી. જો તમે ખાતુ ખોલવાના 14 દિવસ બાદથી એક વર્ષ પૂર્ણ થયા પહેલા તેને બંધ કરાવશો, તો તમારે ખાતા ક્લોજર ચાર્જ આપવો પડી શકે છે. સામાન્ય રીતે એક વર્ષથી વધુ જૂના ખાતાને બંધ કરાવવા પર ક્લોજર ચાર્જ નથી લાગતો. આ દરમિયાન બેંક તમારી પાસેથી ઉપયોગમાં નહી લેવાયેલી ચેકબુક અને ડેબિટ કાર્ડ અને બેંક ક્લોજર ફોર્મ સાથે જમા કરાવવાનું કહેશે.