ગરમીથી તપી રહેલા ભારતમાં હીટવેવના કારણે હાહાકાર છે. લોકો ઘરની બહાર જ નહી પણ ઘરમાં પણ પરેશાન છે અને બેસબ્રીથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના રાજ્યો હીટવેવની ચપેટમાં આવી ચુક્યા છે. ભીષણ ગર્મીના પગલે ભારતમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બીમાર પડ્યા છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, હજી ત્રણ દિવસ હીટવેવથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી.

પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના હિસ્સાઓમાં પ્રચંડ ગરમીથી લોકો જાણે દાઝી રહ્યા છે. આ સિવાય તેણંગાણા, પંજાપ, ચંદીગઢ, આંધ્રપ્રદેશ, નોર્થ કર્ણાટક, બિહાર, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી રહી છે. ગરમીથી સૌથી વધુ 17 મોત તેલંગાણામાં થયા છે. આ આંકડો હજી વધી શકે છે. આંધ્રમાં 3 લોકોના મોત થયા છે. 2015માં આ બંને રાજ્યોમાં લગભગ 1800 લોકોના લૂ લાગવાથી મોત થયા હતા.

આ વખતે ગરમીના પગલે મહારાષ્ટ્રમાં 8 લોકોના મોત થઈ ચુક્યા છે. દિલ્હીમાં તો ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પારો 47 પર પહોંચ્યો હતો. મેદાની પ્રદેશો તો ઠીક છે પણ જમ્મુ અને હિમાચલમાં જેવા પહાડી વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ પારો 45 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. હિમાચલના ઉના જિલ્લામાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. દહેરાદૂન જેવા હિલ સ્ટેશનમાં પારો 40 ડિગ્રી પર પહોંચ્યો હતો.