હોટેલ-રેસ્ટોરામાં ભોજન પીરસતા પહેલા જો હાથ સાફ કરવામાં નહીં આવે તો તેનું લાઈસન્સ રદ કરી દેવામાં આવશે. એફએસડીએની ટીમે વિવિધ રેસ્ટોરા, ઢાબા અને હોટેલ્સમાં ઓચિંતા દરોડા પાડીને તપાસ શરુ કરી છે અને તે દરમિયાન સેનેટાઈઝર, માસ્ક રાખવા નિર્દેશ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ૩૦૦થી વધારે હોટેલ-રેસ્ટોરા વગેરેનું સંચાલન થઈ રહ્યું છે તે સંજોગોમાં લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે સરકારે ખાદ્ય સુરક્ષા અને ઔષધિ તંત્રના અધિકારીઓને તપાસનો આદેશ આપ્યો છે. આદેશના પગલે એફએસડીએએ એક પછી એક તમામ હોટેલ, ઢાબા, રેસ્ટોરા, કેન્ટિન, ફૂડકાર્ટ વગેરેની તપાસ શરુ કરી દીધી છે અને તેમને સાવધાની રાખવા નિર્દેશ આપવામાં આવી રહ્યો છે.
આ માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારી વિનીત કુમારના કહેવા પ્રમાણે હોટેલ્સ, રેસ્ટોરા વગેરે સ્થળે કામ કરતા કર્મચારીઓ, રસોઈયા અને વેઈટર વગેરે સ્વચ્છતા પ્રત્યે સાવધાન રહે તે જરુરી છે અને જો કોઈ પણ પ્રકારની લાપરવાહી જોવા મળશે તો તેમનું લાઈસન્સ રદ કરી દેવામાં આવશે. વધુમાં તે સ્થળોએ સેનેટાઈઝર, માસ્ક, સાબુ વગેરે રાખવા પણ જરુરી હોવાની માહિતી આપી હતી. હાલમાં તમામ હોટેલ વગેરેને બે દિવસની અંદર દીવાલ, સીડીઓ, રેલિંગ, બારી-બારણા, ટાઈલ્સ, ટેબલ, ખુરશી, ભોજન માટે વપરાતા વાસણો બધું જ સેનેટાઈઝ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે અને ગ્રાહક કોઈ ખાદ્ય સામગ્રી ખરીદવા કે ભોજન કરવા પહોંચે તો સૌૈ પ્રથમ દરવાજા પાસે તેના હાથ સાફ કરાવવામાં આવશે.