આજે જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે વેપાર- રોજગાર-મજૂરી બંધ પડી છે ત્યારે લોકોને ઘર ચલાવવા માટે આપવામાં આવી રહેલ અનાજના જથ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. સવાલ છે વહેંચણી, તેના જથ્થા અને ગુણવત્તા મુદ્દે થયો છે કે 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ શુ એક પરિવારને પૂર્ણ ખોરાક કહી શકાય ? ગઈ કાલથી સમગ્ર રાજ્યમાં અન્ન પુરવઠા વિભાગ દ્વારા અનાજની વહેંચણી કરવામાં આવી રહી છે, જેમાં સરકાર ઘઉં, ચોખા, મીઠું અને ખાંડ વહેંચી રહી છે. પરંતુ આ જથ્થા અને તેની વહેંચણીના સરકારી માપદંડ એવા છે કે સરકાર ગરીબોનું ગુજરાન કેમ ચાલે એની ચિંતા કર્યા વગર માત્ર કેહવા ખાતરની રાજય તરીકેની જવાબદારી નિભાવતી હોય એમ લાગે છે.
ગત રોજ 1લી એપ્રિલથી ચાલુ થયેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં મફત અનાજની વહેચણીએ સરકારમાં લોક ડાઉન અને સોસિયલ ડિસ્ટન્સને એક રીતે તોડી નાખ્યું. રાજયમાં અનેક સ્થળોએ એવી સ્થિતિ જોવા મળી કે લોકો ટોળે વળીને ઉભા રહ્યા અને અમુક જગ્યાએ હોમગાર્ડ જવાનો કે પોલીસ મૂકીને અનાજની વહેંચણી કરવામાં આવી. સરકારે આ મેડિકલ ઇમરજન્સી જેવી પરિસ્થિતિમાં અને જયારે લોક ડાઉન જાહેર કરેલું હોય ત્યારે વિશેષ રીતે જનતાને જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવાની હોય કારણ કે રાજ્યમાં 3 કરોડ જેટલા લોકો ગરીબ છે જેમની પર લોક ડાઉનની આર્થિક અસર ઉભી થઇ છે અને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં નથી.