કેરળમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. ચીનના વુહાનથી પરત ફરેલા વિદ્યાર્થીમાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 3 દિવસની અંદર બીજા બે કેસો સામે આવ્યા. જે બાદ 4 ફેબ્રુઆરી સુધીમાં કેરળે સ્થિતિની ગંભીરતાને પારખીને તેને રોકવા માટેનું કામ શરૂ કરી દીધુ હતું.
દેશમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા 9 હજારને પાર પહોંચી ચૂકી છે અને સૌ પ્રથમ કોરોનાનો કેસ કેરળમાં જ મળી આવ્યો હતો. બે અઠવાડિયા પહેલા સુધી કેરળની ગણતરી સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોમાં થતી હતી. જો કે હવે અહીં કોરોના વાઈરસના સંક્રમણની ઝડપ ધીમી પડતી જઈ રહી છે. અહી મોટાભાગના કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ એવી કાબૂમાં લીધી કે, અન્ય રાજ્યો પણ તેનાથી શીખી રહ્યાં છે.
કેરળમાં રવિવારે માત્ર 2 નવા દર્દીઓ સામે આવ્યા છે. 24 કલાકમાં 36 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ વાતની જાણકારી કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ આપી છે. તેમણે જણાવ્યું કે, હવે રાજ્યમાં કુલ 194 પોઝિટિવ કેસો છે, જ્યારે કુલ 179 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યાં છે.
કેરળમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનો દર અન્ય રાજ્યોની સરખામણીમાં એટલા માટે પણ સૌથી વધુ છે, કારણ કે અહીં ટેસ્ટિંગ સૌથી વધુ થઈ રહ્યું છે. અહીં કોરોનાના કુલ 375 કેસોમાંથી અંદાજે 48 ટકા એટલે કે 179 લોકો અત્યાર સુધી સ્વસ્થ થઈ ચૂક્યાં છે.
ટ્રેસિંગ, પ્લાનિંગ અને ટ્રેનિંગ મૉડલે અપાવી જીત
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, કોરોના હોય કે અન્ય કોઈ બીમારી, અમે શ્રેષ્ઠ યોજના બનાવીને તેનો અમલ કરાવીને જ બીમારીનો મુકાબલો કરી શકીએ છીએ. કોરોનાના ફેલાવાને રોકવા માટે દર્દીઓની ઓળખ માટે રાજ્ય સરકારે ટ્રેસિંગ, પ્લાનિંગ અને ટ્રેનિંગ પર ઝડપથી કામ કર્યું. આજ ફોર્મુલાએ કેરળને નિપાહ અને ઈબોલા વાઈરસ જેવા કેસોમાં અજમાવી હતી.