રાજ્યના આરોગ્ય વિભાગની મોટી લાપરવાહી સામે આવી છે. હોસ્પિટલમાં ડોકટરની અછત છતાં 265 તબીબને નિમણુંક ન અપાયાનો ખુલાસો થયો છે. માર્ચ 2021માં પસંદગી પામેલા 265 ડોકટરને હજી નિમણુંક અપાઈ નથી. એક તરફ ડોકટરના અછતના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે, તેવામા પસંદગી છતાં ર૬પ તબીબોને નિમણૂંક ન કરાયાની ગંભીર બેદરકારી સામે આવી છે. તબીબી અધિકારી વર્ગ 2ની સીધી ભરતીથી પસંદગી પામેલા નિમણૂંક આપવામાં આવી નથી. આ 265 તબીબોની ભરતી થાય તો કોવિડ દર્દીઓને સારવારમાં રાહત મળે તેવી પૂરી શક્યતા છે.કોરોનાની હાલની કપરી સ્થિતિમાં જ્યાં સરકાર પહેલેથી માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે પગાર અને પ્રમોશન મુદ્દે તબીબી શિક્ષકો-ડોક્ટરોએ આંદોલન શરૃ કર્યુ છે. આજે વિવિધ સરકારી મેડિકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આજથી દરેક કોલેજમાં પાંચ પાંચ તબીબી શિક્ષકો ભૂખ હડતાળ પર બેસશે. ઉચ્ચતર પગાર ધોરણ, સળંગ સેવા અને સેવા વિનિયમિત સહિતની વિવિધ માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકો સરકાર સમક્ષ રજૂઆતો કરી ચુક્યા છે. અગાઉ પણ અધ્યાપકોએ બેથીત્રણ વાર હડતાળ અને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે .દરમિયાન કોરોનાની બીજી વેવ શરૃ થયા બાદ તબીબી શિક્ષકોએ પોતાની માંગણીઓ થોડા સમય માટે પડતી મુકી હતી પરંતુ સરકારે જુનિયર ડોક્ટર્સ અને રેસિડેન્ટન્સને સ્ટાઈપેન્ડમાં વધારો કરી આપતા સીનિયર ડોક્ટરો-તબીબી શિક્ષકોમાં રોષ ફેલાયો છે.હાલ સરકાર સામે તબીબી શિક્ષકોમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભુ થયુ છે.રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં એસોસિએટ પ્રોફેસર,આસિ.પ્રોફેસર અને પ્રોફેસર કેટેગરીના તમામ ૧૭૦૦થી વધુ તબીબી શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને ફરી એકવાર આંદોલનનું હથિયાર ઉગામ્યુ છે. આજે બી.જે.મેડિકલ કોલેજ ખાતે બપોરના સમયે ૧૦૦થી વધુ તબીબી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.અન્ય સરકારી કોલેજ ખાતે પણ તબીબી શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આવતીકાલે દરેક મેડિકલ કોલેજખાતે પાંચ-પાંચ ત બીબી શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેસશે.ઉપરાંત સોમવારથી તમામ તબીબી શિક્ષકો અને સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરોએ હડતાળ પર ઉતરશે. હાલની કોરોનાની કટોકટીની સ્થિતિમાં ડોક્ટરો જો હડતાળ પર ઉતરે તો સરકાર મોટી મુશ્કેલીમાં આવી શકે છે અને દર્દીઓ કફોડી હાલતમાં મુકાય જાય તેમ છે.જેને લઈને સરકારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના હોદ્દોદારો સાથે વાટાઘાટો શરૃ કરી છે પરંતુ કોઈ નિર્ણય હજુ આવ્યો નથી અને આ વખતે તબીબી શિક્ષકો કોઈ પણ હિસાબે લડી લેવાના મુડમાં હોય તેવુ લાગી રહ્યુ છે.
