20 માર્ચે હોલીકા દહન છે અને 21 માર્ચે ધુળેટી છે. હોળી રંગોનો તહેવાર છે. સાથે જ તે પ્રેમ અને એક્તાનો તહેવાર પણ છે. હોળીના રંગ ખુશીના રંગ, પ્રેમના રંગ પણ કહી શકાય, જે આપણા જીવનમાં ખુશીઓ ભરી દે છે. હોળીના તહેવારમાં લોકો અનેક પ્રકારના રંગ લગાવતાં હોય છે પરંતુ જ્યારે તેને છોડાવવાની વાત આવે ત્યારે તે માથાનો દુખાવો બની જાય છે. અહીં અમે તમને તે ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે હોળીના રંગ તમારા શરીર પરથી છોડાવી શકો છો.
પેસ્ટ બનાવો
બેસન, દહી અને હળદરની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ લગાવીને સુકાવા દો. પછી પાણીથી ચહેરો ધોઇ લો. તમારા શરીર પર ચડેલો હોળીનો રંગ એક હદ સુધી ઉતરી જશે.
ઘઉંનો જાડો લોટ
ઘઉંના જાડા લોટને બેસન, હળદર સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા બાદ તેને હટાવી લો. તે બાદ જોઇ શકાશે કે તમારી ત્વચા પરથી હોળીનો રંગ ચપટી વગાડતાં જ ગાયબ થઇ જશે.
લીંબુનો ઉપયોગ ન કરો
જો તમે હોળીના રંગને ઉતારવા માટે લીંબુનો ઉપયોગ કરવા જઇ રહ્યાં છો તો ભૂલથી પણ ન કરો. ફક્ત લીંબુ લગાવવાથી તમારી ત્વચા રુક્ષ થઇ જશે, સાથે જ તમારા ચહેરા પર ફોડલીઓ પણ થઇ શકે છે.
તેલનો ઉપયોગ કરો
હોળી રમતા પહેલાં તેલનો ઉપયોગ જરૂરથી કરો. ચહેરા પર અને હાથ-પગ પર હોળી રમતા પહેલાં તેલ લગાવી લો. તેનાથી તમારા ચહેરા પર જલ્દી રંગ નહી ચડે અને જો ચડશે તો પણ તે સરળતાથી ઉતરી જશે.
કપડા ધોવાના સાબુનો ઉપયોગ ન કરો
કપડા ધોવાના સાબુનો ચહેરા પર ભૂલથી પણ ઉપયોગ ન કરો. જો તમે આવું કરશો તો તમારો ચહેરો રુક્ષ થઇ જશે અને બળતરા પણ થશે.