સમાજ સેવક અણ્ણા હજારે આજે ગાંધી પુણ્યતિથિએ સવારે દસ વાગ્યાથી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર બેઠા હતા. એ પહેલાં મિડિયા સાથે્ વાત કરતાં એમણે એવો દાવો કર્યો હતો કે મેં રફાલ મુદ્દે સ્પષ્ટતા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 34 પત્રો લખ્યા હતા પરંતુ મોદીએ એક પણ પત્રનો જવાબ આપ્યો નથી.
અણ્ણાએ એવો દાવો કર્યો હતેા કે હાલના મારા ઉપવાસના કેન્દ્રમાં લોકપાલની નિયુક્તિનો મુદ્દો મુખ્ય છે. અગાઉ લોકપાલની નિયુક્તિ થઇ ગઇ હોત તો કદાચ રફાલનો મુદ્દો ઉપસ્થિત ન થયો હોત. મોદીની સરકાર આવ્યાને પાંચ વર્ષ પૂરાં થવાં આવ્યાં પરંતુ લોકપાલની નિયુક્તિના મુદ્દે મોદી સરકારે કશું કર્યું નહીં. અગાઉ એ લોકોએ લોકપાલની નિયુક્તિ કરવાની ખાતરી આપી હતી. પરંતુ અન્ય વચનોની જેમ આ વચનને પણ ભૂલી ગયા છે અને બહાનાં કાઢી રહ્યાં છે. કેન્દ્ર સરકાર એક યા બીજા બહાને લોકપાલની નિયુક્તિ ટાળી રહી છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
તેમણે કહ્યું કે મારા ઉપવાસ પાછળ બીજો મુદ્દો ખેડૂતોને લગતો છે. સ્વામીનાથન પંચે જે ખેડૂતોના કલ્યાણ માટે જે ભલામણો કરી હતી એમાંની એક પણ ભલામણનો અમલ થયો નથી. ખેડૂતો સતત આપઘાત કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર ફક્ત વાતો કરે છે. ખેડૂતોના કલ્યાણ માટે કોઇ પગલું લેવાયું નથી. ભાજપે ચૂંટણી પ્રચારમાં એવો વાયદો કર્યો હતો કે અમે સત્તા પર આવીશું તો સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરીશું. પરંતુ એક પણ ભલામણનો અમલ થયો નથી.
અણ્ણાએ એવો દાવો કર્યો હતો કે ખેડૂતોની લોન માફીથી સમસ્યાનો અંત આવવાનો નથી. સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કર્યા બાદ ખેડૂતોની લોન માફીનું પગલું લેવામાં આવે તો જ ખેડૂતોની આત્મહત્યાઓ ઓછી થશે અથવા અટકી જશે.
તમને એવું કેમ લાગે છે કે લોકપાલના આવવાથી કશો ફરક પડશે એવા સવાલના જવાબમાં અણ્ણાએ કહ્યું કે લોકપાલ કેન્દ્ર સરકારના પ્રધાનો અને ખુદ વડા પ્રધાન સામે પુરાવા મળે તો પગલાં લેવા સમર્થ ગણાતી વ્યવસ્થા છે. અત્યારે એવી કોઇ વ્યવસ્થા નથી એટલે બધું લોલેલોલ ચાલે છે. પોતે અને પોતાના પ્રધાનો સલામત રહે એટલા માટે તો મોદી સરકાર લોકપાલની નિયુક્તિ કરતી નથી.