ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ઇલાજ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 27 મેના રોજ જાહેર કરેલી ગાઇડલાઇનમાં સંશોધન કરી લક્ષણો વગરના અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓના ઇલાજ માટે નવી સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે. જે અંતર્ગત એન્ટિપાઇરેટિક અને એન્ટિટ્યૂસિવને બાદ કરતા અન્ય તમામ દવાઓ સારવારમાંથી હટાવી દેવામાં આવી છે.સંશોધિત ગાઇડલાઇન મુજબ હવે લક્ષણો વગરના અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ડોક્ટરો દ્વારા અપાતી હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટી વિટામીન તેમજ અન્ય દવાઓને બંધ કરવામાં આવી છે. હવે દર્દીઓને ફક્ત તાવ માટે એન્ટિપાઇરેટિક અને શરદી-ઉધરસ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં આવશે.
નવી ગાઇડલાઇનમાં ડોક્ટરોને દર્દીઓના બિનજરૂરી ટેસ્ટ પણ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં સિટી સ્કેન પણ સામેલ છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સ. ફેસ માસ્ક તેમજ હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ જો કોઇ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ફોન પર કન્સલ્ટેશન કરવા અનો પૌષ્ટિક આહાર લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગાઇડલાઇનમાં, કોરોના દર્દીઓ અને તેમના પરિવારોને ફોન અથવા વિડિઓ કોલ દ્વારા સકારાત્મક રીતે વાત કરવા અને એકબીજા સાથે જોડાયેલા રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોનાના લક્ષણો ન ધરાવતા દર્દીઓ માટે કોઈ દવા સૂચવવામાં આવી નથી. જો કે તેઓ અન્ય કોઈ રોગથી પીડાતા ન હોવા જોઇએ. તે જ સમયે, હળવા લક્ષણોવાળા દર્દીઓને જાતે જ તાવ, શ્વાસની તકલીફ અને ઓક્સિજનનું લેવલ ચેક કરવા માટે કહેવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ચેપના લક્ષણોવાળા દર્દીઓએ એન્ટિપાયરેટિક અને એન્ટિટ્યુસિવ દવાઓ લેવી જોઈએ. ખાંસી માટે, તેઓએ પાંચ દિવસ માટે દિવસમાં બે વખત 800 એમસીજી બૂડસોનાઇડ લેવી જોઈએ.