રેમડેસિવીર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય છે. દેશમાં કોરોનાની પહેલી લહેરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં રેમડેસિવીરના ઈન્જેક્શન આપવામાં આવતા હતા, પણ કોરોનાની બીજી લહેરમાં આ પ્રમાણ 80 ટકા પહોંચી ગયું છે. તેને પગલે દવાની માંગમાં અસાધારણ વધારો થયો છે.રેમડેસિવીર દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ નહીં, પણ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ભારતીય બજાર માટે મુખ્ય સાત જેટલી ફાર્માસ્યુટીકલ કંપની રેમડેસિવીરનું ઉત્પાદન કરે છે. જેમાં ઝાયડસ કેડિલા, સિપ્લા, માયલન ફાર્મા, જુલિબિયન્ટ લાઈફ સાયન્સિસ, હેટેરો ડ્રગ્સ, સિનજીન ઈન્ટરનેશનલ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સામેલ છે.આ તમામ કંપનીઓની માસિક ઉત્પાદનની ક્ષમતા 31.60 લાખ ડોઝ છે. જે પૈકી હેટેરો 10.50 લાખ, સિપ્લા 6.20 લાખ, ઝાયડસ કેડિલા 5 લાખ અને માયલન ફાર્મા 4 લાખ ડોઝનું ઉત્પાદન કરે છે. જ્યારે અન્ય 1થી 2.5 લાખ ડોઝ અન્ય દવા ઉત્પાદક કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ઝાયડસ કેડિલાએ મહિના દીઠ આઠ લાખ ડોઝની ક્ષમતા સ્થાપિત કરેલી છે, જે આગામી સમયમાં અમદાવાદ અને વડોદરા પ્લાન્ટ ખાતે વધારીને મહિને 12 લાખ ડોઝની કરવામાં આવશે.
