જમ્મુ-કાશ્મીર મામલે ભારતથી ગિન્નાયેલું પાકિસ્તાન અત્યારે ભીષણ ગરીબીમાંથી પસાર થઈ રહ્યું છે. પડોશી દેશની આર્થિક સ્થિતિ એટલી હદે કફોડી થઈ ગઈ છે કે તેમની પાસે વડાપ્રધાનના કાર્યાલયનું વીજળીનું બિલ ભરવાના પણ નાણા નથી રહ્યા. વડાપ્રધાન ઈમરાન ખાનના કાર્યાલયનું 41 લાખ રૂપિયા વીજ બિલ નહીં ભરાતા તેમના કાર્યાલયની વીજળી કાપી નાંખવામાં આવી છે.
બુધવારે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું કે બિલ જમા નહીં થવાના કારણે વડાપ્રધાન કાર્યાલયનું વીજ જોડામ કાપી નાંખવામાં આવ્યું છે. આ રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન સચિવાલયે ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાય કંપની (IESCO)ને 41 લાખ રૂપિયાથી વધારાની રકમનું બિલ ચૂકવવાનું બાકી છે. તેમજ ગયા મહિને સચિવાલયે 35 લાખ રૂપિયાનું બાકી બિલ ભર્યું હતું.
બુધવારે IESCOએ સરકારને આ મામલે એક નોટિસ પણ ફટકારી હતી. IESCOના સૂત્રોના જણાવ્યા અનુસાર વારંવાર રિમાઈન્ડર્સ આપ્યા પછી પણ સચિવાલય તરફથી બિલની ચૂકવણી કરવામાં આવી નહતી. જોકે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી વીજળી કાપી જવાની આવી ઘટનાઓ કોઈ નવી વાત નથી રહી.