ભાજપના રાજમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૮ ટકાથી ઘટીને ૬ ટકા પર આવી ગયો તેમાં તો વિપક્ષોએ ઉહાપોહ મચાવી દીધો હતો. હવે કોરોનાને કારણે કહો કે લોકડાઉનને કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં ગ્રોથ રેટ માઇનસ ૨૩.૯ ટકા પર પહોંચી ગયો તે ભારતના અર્થતંત્રના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના છે. જે ગ્રોથ રેટમાં એકાદ ટકાનો ઘટાડો જોવા મળતાં ખતરાની ઘંટડીઓ વાગવા મંડતી હતી તેમાં ૨૩.૯ ટકાનો ઘટાડો દેશને પૂરપાટ પતન તરફ લઈ જનારો છે. આ પતનનું સૌથી મોટું કારણ કોરોના વાયરસ નથી, પણ સરકાર દ્વારા વગર વિચાર્યે કરવામાં આવેલું લોકડાઉન છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારામન વિકાસમાં થયેલા ધબડકા માટે દૈવી કોપને જવાબદાર ઠરાવીને સરકારની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી કાઢે છે. અહીં આપણે એ સમજવાની જરૂર છે કે લોકડાઉન કોઈ દૈવી કોપ નહોતો પણ સરકાર દ્વારા પ્રજાના માથે ઠોકી બેસાડવામાં આવેલું વિનાશકારી પગલું હતું. આ પગલું તદ્દન બિનજરૂરી હતું તેની સાબિતી એ ગણી શકાય કે કડકમાં કડક લોકડાઉન છતાં ભારતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. સિરો સર્વેના હેવાલો મુજબ તો ભારતની લગભગ ૨૫ ટકા વસતિ કોરોના વાયરસનો ભોગ બનીને સાજી પણ થઈ ગઈ છે.
જો ભારતના ૩૫ કરોડ લોકોના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો હોય પણ તેમાંના માત્ર ૫૦ હજારનાં જ મોત થયાં હોય તો સાબિત થાય છે કે કોરોના વાયરસ રાક્ષસ નથી પણ મચ્છર છે. આ મચ્છરને રાક્ષસ ઠરાવીને તેને મારવા માટે લોકડાઉન જેવું વિનાશક હથિયાર અજમાવનારી સરકારની કોઈ જવાબદારી બને કે નહીં? કે પછી કોરોનાને દૈવી કોપ ગણાવીને સરકાર છટકી શકે? આ લખવાનું કારણ એટલું જ છે કે સરકારે લોકડાઉન હજુ પણ પૂરેપૂરું ઉઠાવી નથી લીધું. લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રની જે ખાનાખરાબી ચાલુ થઈ તે હજુ પણ ચાલુ જ છે. હજુ પણ વેપાર કે ઉદ્યોગોનું ઠેકાણું પડ્યું નથી. જો સરકાર સત્વરે લોકડાઉન સમાપ્ત નહીં કરે તો હાલત વધુ બગડી શકે તેમ છે.
ભારતના જીડીપીમાં થયેલા ઘટાડાનું વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે ભારતના અર્થતંત્રની મજબૂત બાજુ કઈ છે અને નબળી કડી કઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રથમ ત્રણ માસમાં એક કૃષિ ક્ષેત્રને બાદ કરતાં બાકીનાં તમામ ક્ષેત્રોનો ગ્રોથ રેટ નેગેટિવ રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં ૩.૪ ટકાનો ગ્રોથ રેટ જોવા મળ્યો છે, જેને કારણે ભારત ટકી ગયું છે. ભારતના ૧૪૦ કરોડ લોકોની જીવાદોરી કૃષિ અને પશુપાલન છે.