Maharashtra લોકસભા ટાણે જ જૂથબંધીનો ભયાનક રુપ, શિંદે, ફડણવીસ, અજીત પવારની સામે મોટો ખતરો, હજુ તો સીટ પહેંચણીનો મુદ્દો બાકી છે
મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓનાં ગઠબંધનમાં બાકોરા પડવાના શરુ થઈ ગયા છે. ગઠબંધનનાં પાર્ટનરો માટે આ સારા સંકેત નથી.ચાર એન્જિનની સરકાર મહારાષ્ટ્રની લોથ વાળી રહી છે
મહારાષ્ટ્રનાં રાજકારણમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કાયદાનો ડર સત્તાધારી પક્ષના નેતાઓમાં ન હોવાનો ભાસ થઈ રહ્યો છે. કેન્દ્રમાં ભાજપ સરકાર, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓ સાથેની સરકાર એમ ચાર એન્જિનની સરકારમાં એવું એવું બની રહ્યું છે કે વિપક્ષ તો શું સામાન્ય માણસો પણ સ્તબ્ધ બની ગયા છે. પોલીસ સ્ટેશનમાં જ સાથી પક્ષના નેતાને ધારસભ્ય દ્વારા ગોળી મારી દેવાની ઘટના કંઈ નાની સૂની ઘટના નથી. પોલીસની હાજરીમાં જ ઉલ્હાસનગરની જમીન વિવાદને લઈને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સહયોગીએ શિંદે જુથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર ગોળીઓ મારી દીધી હતી. ઘટનાની ચરમસીમા એ છે કે પોલીસ સ્ટેશનમાં જ ફાયરિંગ કરી દેવાયું. શિંદે જૂથની શિવસેના અને ભાજપ વચ્ચેની તિરાડનો આ પહેલો બનાવ છે. મુખ્યમંત્રી શિંદે ફિક્સમાં મૂકાયા. ધારાસભ્યની ધરપકડ ભલે થઈ પણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગાયકવાડને ઉની આંચ પણ આવી નથી. જ્યારે શિંદના નેતા હોસ્પિટલના બિછાને પડ્યા છે. શિંદે ખામોશ થઈ ગયા છે. કશું બોલી શકાતું નથી. ફડણવીસ પાસે ગૃહ ખાતું છે અને શિંદે આમાં જરા પણ માથું મારવાની સ્થિતિમાં નથી.
શિંદે પણ જાણે છે બહુ કચકચ કરવાથી કશો લાભ થવાનો નથી પણ નુરકશાન જ થવાનું છે. જ્યાં સુધી ખેંચી શકાય ત્યાં સુધી સરકારને ખેંચી લેવાની અને સમય આવ્યે ત્યારે ભાજપમાં ભળી જવાનું અથવા તો સન્યાસ લઈ લેવાનું. જ્યાં સુધી અજીત પવાર સાથે ન આવ્યા ત્યાં સુધી શિંદેએ ફડણવીસને તંગ દૌર પર રાખ્યા હતા. હવે વારો શિંદેનો છે. જે કંઈ પણ થાય છે અને હવે પછી જે કંઈ પણ બનશે તેમાં શિંદેની ભૂમિકા મુખ્યમંત્રી હોવા છતાં મૂક પ્રેક્ષક બનીને રહેવાની છે. નેતાઓ અને કાર્યકો વચ્ચે વર્ચસ્વની લડાઈ ઓછી થવાની નથી, ધીમે ધીમે આમાં વધારો જ થવાનો છે.
હવે વાત કરીએ છગમ ભૂજબળના એપિસોડની. દેખીતી રીતે ભૂજબળ આમ તો અજીત પવારના વફાદાર નીકળ્યા. ખરેખર ભૂજબળ કોઈના વફાદાર રહ્યા નથી. ઈડીએ કેસ કર્યા, જેલમાં ગયા બાદ તેમણે એનસીપીને રામ-રામ કર્યા. ભૂજબળની રાજકીય કારકિર્દી શિવસેનાથી શરુ થઈ હતી અને તેમણે બાલા સાહેબ ઠાકરે સામે બળવો કર્યો હતો. 1991માં ભૂજબળે બાલા સાહેબ સામે બળવો કરી શિવસેનામાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયા. પછી એનસીપીમાં આવ્યા. ભૂજબળને ખુરશી વિના જરાય ચાલતું નથી. વિદર્ભના ઓબીસી રાજકારણમાં ભૂજબળે હંમેશા રાજ્ય કે કેન્દ્રમાં જેની સરકાર હોય તેની જ તરફે કરવટ બદલી છે. મરાઠા અનામતની માંગ લઈ મનોજ ઝરાંગેએ આંદોલન કર્યું તો શિંદ-ફડણવીસ અને પવારની સરકારે ઝરાંગેની માંગ સ્વીકારીને અનામત આપવાનો વાયદો કર્યો. ભૂજબળે ઓબીસીમાં કાપ મૂકીને પોતાની સરકાર ઓબીસીના અધિકારીનું હનન કરી રહી હોવાના આરોપ સાથે રાજીનામું ધરવાનો ત્રાટક કર્યુ છે. જોકે, ફડણવીસે રાજીનામુ અસ્વીકારાયું હોવાની જાહેરાત કરી છે. પણ ભૂજબળનું પ્રકરણ પાશેરમાં પહેલી પૂણી છે. હજુ તો લોકસભાની ટિકિટોની વહેંચણીનો મુદ્દો ઉભો છે.
મહારાષ્ટ્રમા લોકસભાની 48 સીટ છે. આ પૈકી ભાજપ કેટલી સીટ પણ લડશે, શિંદે શિવસેનાને કેટલી સીટો મળશે, અજીત પવારની એનસીપીના ફાળે કેટલી સીટો આવશે તે મુદ્દો ઉકેલાવાનો બાકી છે. કોના દિકરાઓને ક્યાંથી સીટ જોઈએ છે, કોણ ક્યાંથી લડશે આ બધી બાબતોમાં એક વાત ચોક્કસ છે કે ભાજપનો હાથ જ ઉપર રહેશે.
2019થી મહારાષ્ટ્ર રાજકીય રીતે પ્રવાહીશીલ રાજ્ય બની ગયું છે. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા પહેલાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર બની. અઢી વર્ષ બાદ શિદે સહિત તમામ ધારાસભ્યોએ ઉદ્વવ ઠાકરે સામે બળવો કરીને ઠાકરે પરિવારના શિવસેના પરનાં આધિપત્યને ખતમ કરી નાંખ્યો.2019માં ભાજપે 105 સીટ પર જીત હાંસલ કરી હતી શિવસેનાએ 56 સીટ જીતી હતી.એનસીપીએ 54 સીટ જીતી હતી. કોંગ્રેસે 44 સીટ જીતી હતી. ભાજપ અને શિવસેનાએ એનડીએના નેજા હેઠળ ચૂંટણી લડી હતી પણ ઓચિંતા ઘટનાક્રમમાં ભાજપે અજીત પવાર સાથે સરકાર બનાવવાનું વલણ અપનાવ્યું અને તેમાં ભાજપને પછડાટ મળી હતી અને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ અઘાડીની સરકારની રચના થઈ. 2022માં શિવસેનાનાં એકનાથ શિંદેએ ઉદ્વવ ઠાકરેને ઘૂળ ચાટતા કરી દીધા. આખી શિવસેનાને લઈને ભાજપ સાથે સાથે સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બની ગયા.બાદમાં તેમની સંગાથે અજીત પવાર પણ માંહે માંહે જોડાઈ ગયા. હવે ત્રણ તિગડા, કામ બિગડાનો ખેલ શરુ થઈ ગયો છે.