નાણામંત્રાલયે બુધવારે બહાર પાડેલા પરિપત્રને કારણે કરદાતાઓની સમસ્યામાં વધારો થાય તેમ છે. નાણાકીય વર્ષ 2012-13ના રિ-ઓપનિંગના કેસો માર્ચ-2020 સુધીમાં રિ-ઓપન કરવાના હતાં. જેની મુદ્દત વધારીને 30 જૂન કરવામાં આવી હતી. જે હવે નવા પરિપત્ર પ્રમાણે આયકર અધિકારીઓની સવલત મુજબ 31 જાન્યુઆરી કરવામાં આવી છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2013-14ના પણ કેસો પણ 31 માર્ચ 2021 સુધી રિ-ઓપન કરવામાં આવશે. આમ બંને વર્ષોના કેસ 31 માર્ચ સુધીમાં રિ-ઓપન થશે.
જે કેસ અપીલમાં આવી ગયા હતાં અને તેમાં માર્ચ 2020 સુધીમાં પેનલ્ટી લગાડવાની હતી તે પણ 30-6-2020 સુધી લંબાવવામાં આવેલી હતી. તેની મુદ્દત પણ વધારીને તારીખ 31-3-21 સુધી કરવામાં આવી છે. શહેરના સીએ વિરેશ રૂદલાલે 24-6-20ના નોટિફિકેશનનું અર્થઘટન કરી બોર્ડ પાસે એવી સ્પષ્ટતા માંગી છે કે, આકારણી વર્ષ 2018-19ના સ્ક્રૂટિનીના કેસો પતાવવાની અને આકારણી વર્ષ 2019-20ના કેસો કાઢવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ 2021 રહેશે. એ રીતે સરકારી અધિકારીઓને છૂટો દોર આપી દેવાતા તેઓ શોધી-શોધીને વધારે કેસો રિ-ઓપન કરશે અને આ બધા આ એસેસમેન્ટ માર્ચ-22 માં પૂર્ણ કરશે.
કરદાતાનું સન્માન કરવાની વિચારધારા ધરાવનાર સરકાર સામે આજે ટેક્સ કન્સલ્ટન્ટો અને સીએએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. અન્ય તમામ નોટિસ, પેનલ્ટી, મંજૂરી સહિત તા.31-3-21 સુધીમાં અધિકારીઓ ઇશ્યૂ કરી શકશે. ટીડીએસ ભરવાની તારીખ 30-6-20 લંબાવી નથી અને 9 ટકા વ્યાજ જતું કરવાને બદલે તા. 30-6-20ને બદલે ટીડીએસ ભરાય નહીં તો 18 ટકા વ્યાજ અને પેનલ્ટી લાગશે. 9 ટકા ઘટાડેલું વ્યાજ 31 માર્ચ 21 સુધી લંબાવવાની જરૂર હતી. 1 લાખ રૂપિયા સુધીના સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ 30-11-20 સુધી વગર વ્યાજે ભરી શકાશે. જોકે, આ ટેક્સ તમામ વ્યાજ સાથે ભરવાની સૂચનાથી કરદાતાઓ સંપૂર્ણ નારાજ છે.