60 હજાર કરોડ જેટલા જંગી દેવા તળે દબાયેલી સરકારી માલિકીની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને જો સત્વરે કોઇ ખરીદદાર કે નવો માલિક નહીં આવે તો બંધ થવાની નોબત આવી ગઈ છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે, દેવામાં ડુબેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાનું ખાનગીકરણ ગમે તે પરિસ્થિતિમાં થશે.
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે. હવે તેના ખાનગીકરણ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.
એર ઇન્ડિયા ઉપર લગભગ 60 હજાર કરોડનું જંગી દેવું છે અને સરકાર હજી પણ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા-પદ્ધતિઓ ઉપર કામગીરી કરી રહી છે. એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, જો જૂન સુધી નવો ખરીદદાર ન મળ્યો તો એર ઇન્ડિયાના પણ એવા જ હાલ થશે જે જેટ એરવેઝના થયા છે.
અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, ખાનગીકરણની યોજનાની વચ્ચે સરકારે દેવા તળે દબાયેલી કંપનીમાં વધુ મૂડીરોકાણ કરવા ઇન્કાર કર્યો છે. જેના લીધે વિમા કંપનીને ના છુટકે ટુકડાઓમાં કામગીરી કરવાની નોબત આવી પડી છે. તે લાંબા સમય સુધી ચાલે તેવી કોઇ સંભાવના નથી. સરકારે દેવામાં ફસાયેલી કંપનીમાં વધુ નાણાં ઠાલવવા ઇન્કાર કર્યો છે.