દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાલે રાત્રે રાષ્ટ્રને નામે સંબોધન કર્યું હતું અને 21 દિવસ માટે લૉકડાઉનનો નિર્ણય સંભળાવ્યો હતો. કોરોના વાઈરસને ફેલાતો રોકવો કેટલો જરૂરી છે, તેના પાછળની વાત હવે સામે આવી રહી છે. હકીકતમાં તાજેતરમાં 64 હજાર કરતાં વધારે ભારતીયો વિદેશથી સ્વદેશ પરત ફર્યા છે. આ બીમારી પણ બહારથી જ ભારતમાં આવી છે. એવામાં તેમનું ફરવું ખતરનાક સાબિત થઈ શકે છે. આજ કારણે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન સાથે અનેક ઠેકાણે કરફ્યૂ પણ લગાવ્યો છે.
આ અંગે હેલ્થ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, આંકડા જોઈએ તો કોરોના વાઈરસના કેસો ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યાં છે. જેનું મુખ્ય કારણ વિદેશથી ભારતમાં આવેલા લોકો જ છે. દેશમાં બુધવાર સુધી કોરોનાના 562 કેસો સામે આવ્યા છે. જેમાં 40 ઠીક પણ થઈ ચૂક્યા છે, જ્યારે 9 લોકોના મોત નીપજ્યા છે
અધિકારીએ જણાવ્યું કે, લૉકડાઉન લગાવવાનું મુખ્ય કારણ લોકોની બેદરકારી જ છે. હકીકતમાં વિદેશથી પરત ફરેલા 8000 લોકોને તો 14 દિવસ માટે કેમ્પમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને હોમ ક્વારેન્ટાઈન થવા જણાવાયું છે. આમ છત્તાં એવા અનેક કેસો સામે આવ્યા છે કે, આવા લોકો ટ્રેન અને રોડ પર ફરતા જોવા મળ્યા હોય. આવા લોકો જેના સંપર્કમાં આવ્યા તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
હવે 21 દિવસનું લૉકડાઉન લગાવવા પાછળ સરકારની ઈચ્છાએ જ છે કે, બહારથી આવેલા જો કોઈને કોરોના હોય તો પણ તે ફેલાઈ ના શકે. આ દરમિયાન જેનામાં કોરોનાના લક્ષણ આવે, તો તે 14 દિવસમાં દેખાઈ જશે. આ લોકોની સારવાર પણ શરૂ થઈ જશે, જ્યારે જે પહેલાથી કોરોના પોઝિટિવ છે, તેમની સારવાર પણ પૂરી થઈ જશે.
આ અંગે ICMRના ચીફ બલરામ ભાર્ગવે જણાવ્યું કે, આ માટે કોરોના ફેલાવતી ચેનને તોડવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. હાલ દેશમાં 187904 લોકોને દેખરેખ હેઠળ અલગ રાખવામાં આવ્યા છે.