ભારતીય સેનામાં જવાનું સપનું જોતી મહિલાઓ માટે એક સારા સમાચાર છે. પહેલીવાર સૈન્ય પોલીસ જવાન માટે મહિલાઓની ભરતી માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જનરલ બિપિન રાવતે સેના પ્રમુખ તરીખે કાર્યબહર સંભાળ્યો ત્યારબાદ તરત જ આ પરિયોજના શરૂ કરી હતી. તાજેતરમાં જ રક્ષામંત્રાલય દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી હતી.
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે એક ટ્વીટ કરી આ બાબતે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેના પોલીસની કુલ સંખ્યામાં 20 ટકા સંખ્યા મહિલાઓની પણ રહેશે. મહિલાઓની ભરતી પર્સનલ બિલો ઓફિસર રેન્ક (પીબીઓઆર) તરીકે કરવામાં આવશે.
દુષ્કર્મ, છેડતી જેવી બાબતોની કરશે તપાસ
સૈન્ય પોલીસમાં ભરતી થનાર આ મહિલાઓ દુષ્કર્મ, છેડતી જેવા કેસની તપાસ કરશે. સેના પોલીસનો રોલ સૈન્ય પ્રતિષ્ઠાનોની સાથે કેન્ટોનમેન્ટ વિસ્તારોની દેખરેખનું હોય છે. સેના પોલીસ શાંતિ અને યુદ્ધ સમયે જવાનો અને તેમના સામાના હેરફેરનું સંચાલન કરે છે.
સેના પોલીસમાં 800 મહિલાઓની ભરતી કરવામાં આવશે. દર વર્ષે 52 મહિલાઓની ભરતી કરવામાં આવશે. અત્યાર સુધીમાં શોર્ટ સર્વિસ કમીશન અંતર્ગય મેડિકલ, સિગ્નલ, એજ્યુકેશન અને એન્જિનિયરિંગ કોરમાં મહિલાઓની ભરતી કરવામાં આવતી હતી. હા જોકે, યુદ્ધ માટે મહિલાઓની ભરતી માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.