શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ બાદ ત્યાં કવરેજ કરવા ગયેલા ભારતીય ફોટો પત્રકારની ત્યાંની પોલીસે ધરપકડ કરી લીધી છે. કહેવાઇ રહ્યું છે કે, આ પત્રકારે એક સ્કૂલમાં જબરજસ્તી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર આ પત્રકારની ઓળખ સિદ્દિકી અહમદ દાનિશ તરીકે થઈ છે. તે ન્યૂ દિલ્હી સ્થિત રૉયટર્સ ન્યૂઝ એજન્સીમાં કામ કરે છે. તેણે અધિકારીઓ સાથે વાત કરવા માટે દેશના નેગોંબો શહેરની એક સ્કૂલમાં જબરજસ્તી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસે જણાવ્યું છે કે, દાનિશની જબરજસ્તી પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને નેગોંબો મેજિસ્ટ્રેટ દ્વારા 15 મે સુધી જેલમાં મોકલવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાનિશે એક બાળક સંબંધિત માહિતી મેળવવા સ્કૂલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાળકનું ચર્ચમાં થયેલ બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનિય છે કે, ઇસ્ટર સંડેના દિવસે થયેલા બ્લાસ્ટમાં આતંકવાદીઓએ ચર્ચ અને ફાઇવસ્ટાર હોટેલોને નિશાન નિશાન બનાવ્યાં હતાં, જેમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 500 લોકો ઘાયલ થયા હતા.