મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ક્યારે દોડશે? તે અંગેની કોઈ ચોક્કસ જાણકારી નથી, પરંતુ ભારતીય રેલવેએ નવા રૂટો પણ બુલેટ ટ્રેનો ચલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલવેએ દિલ્હી-આગરા-લખનઉ-વારાણસી અને દિલ્હી-ચંદીગઢ-લુધિયાણા-અમૃતસર સહિત 6 નવા હાઈસ્પીડ કૉરિડોર નક્કી કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 1 વર્ષની અંદર જ 6 નવા હાઈસ્પીડ કૉરિડોરને લઈને વિસ્તૃત રિપોર્ટ તૈયાર થઈ જશે.
આ અંગે રેલવે બોર્ડના ચેરમેને વીકે યાદવના જણાવ્યા પ્રમાણે, રેલવેએ હાઈસ્પીડ અને સેમી હાઈ સ્પીડ રેલ કૉરિડોર માટે 6 સેક્શન નક્કી કર્યા છે. જેનો વિસ્તૃત રિપોર્ટ (DPR) એક વર્ષમાં તૈયાર થઈ જશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કૉરિડોર પર પહેલા જ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હાઈસ્પીડ કોરિડોર પર ટ્રેનો 300 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે ચાલી શકે છે. જ્યારે સેમી હાઈસ્પીડ કૉરિડોર પર ગાડીઓ 160 કિલોમીટર પ્રતિકલાકની ગતિએ દોડી શકે છે.
યાદવે વધુમાં જણાવ્યું કે, 6 કૉરિડોરમાં દિલ્હી-નોઈડા-આગરા-લખનઉ-વારાણસી (865 કિમી) અને દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ (886 કિમી) સેક્શન સામેલ છે. અન્ય કૉરિડોરમાં મુંબઈ-નાસિક-નાગપુર (753 કિમી), મુંબઈ-પૂણે-હૈદરાબાદ (711 કિમી), ચેન્નઈ-બેંગલુરૂ-મૈસૂર (435 કિમી) અને દિલ્હી-ચંદીગઢ-લુધિયાણા-અમૃતસર (459 કિમી) સામેલ છે. અમે 6 કૉરિડોર નક્કી કર્યા છે અને તેનો ડિટેઈલ્સ રિપોર્ટ વર્ષની અંદર તૈયાર થઈ જશે.