લૉકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી રેલવે સર્વિસ 15 એપ્રિલથી એક વખત ફરીથી શરૂ થઈ શકે છે. ભારતીય રેલવેએ ટ્રેનો ફરીથી શરૂ કરવા માટે આવશ્યક પ્રોટોકોલ તૈયાર કરી લીધો છે. નવા પ્રોટોકોલ અંતર્ગત પેસેન્જરોને ટ્રેનના નિર્ધારિત સમયના 4 કલાક પહેલા જ રેલવે સ્ટેશન પર પહોંચવાનું રહેશે.
રેલવે સ્ટેશનમાં દાખલ થયા પહેલા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ થશે. જે પાસ કરનાર મુસાફરોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત જે પેસેન્જરોને તાવ, ખાંસી અને શરદી જેવી ફરિયાદ હોય, તેમને મુસાફરીની મંજૂરી આપવામાં નહીં આવે.
રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 15 એપ્રિલથી રિઝર્વ નોન એસી કોચ (સ્લીપર ક્લાસ)માં જ મુસાફરી કરવાની મંજૂરી હશે. ટ્રેનોમાં AC કોચ નહીં હોય અને જનરલ કોચમાં મુસાફી કરવાની મંજૂરી નહીં હોય. આટલું જ નહી, રેલવે સ્ટેશનમાં માત્ર ટિકિટ રિઝર્વ કરનારા મુસાફરોને જ પ્રવેશ કરવા દેવામાં આવશે. આ દરમિયાન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જે પેસેન્જરો પાસે વેઈટિંગ ટિકિટ છે, તેમને રેલવે સ્ટેશનમાં પ્રવેશની મંજૂરી નહીં મળે. આ સિવાય રેલવેએ સીનિયર સિટીઝન્સ માટે હાલ મુસાફરી ના કરવાની સલાહ આપી છે.
ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, મુસાફરી કરનારા તમામ પેસેન્જરોએ પોતાના સ્વાસ્થ્ય સબંધી જાણકારી યાત્રાના નિર્ધારિત સમયના 12 કલાક પહેલા જ રેલવે સાથે શેર કરવાની રહેશે. મુસાફરી દરમિયાન કોઈ પણ પેસેન્જરને ખાંસી, તાવ અને શરદી જેવા કોઈ લક્ષણ જોવા મળશે, તો તેને તરત જ ટ્રેન રોકીને રસ્તામાં ઉતારી દેવામાં આવશે.