દેશમાં કોરોનાવાયરસનાં કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા બાદ મંગળવારે દેશનાં દરેક એરપોર્ટ પર ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. સોમવારે ઇટાલી, દક્ષિણ કોરિયા, ચીન અને ઈરાનથી મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર અલગથી રાખવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા એક ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. આ એડવાઇજરીમાં જણાવાયું છે કે દક્ષિણ કોરિયા, જાપાન, ચીન, ઇટાલી અને ઈરાનથી આવતા મુસાફરોનાં વિઝા તત્કાલિક સ્થગિત કરવામાં આવે છે.
આ પાંચ દેશોમાંથી આવતા મુસાફરો વિશે એરલાઇન્સને આરોગ્ય કચેરીએ જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇમિગ્રેશન બ્યુરોને જાપાન અને દક્ષિણ કોરિયાથી આવનારા મુસાફરોને મંજૂરી ન આપવાની સલાહ આપવામાં આવી છે, જેમને વિઝા ઓન અરાઇવલ હેઠળ ભારત આવવાની મંજૂરી મળી છે. કોલકાતા એરપોર્ટનાં અધિકારીઓએ આ માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે, જે દેશોમાં મુસાફરોને અલગ રાખવામાં આવ્યા છે ત્યાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો હેતુ વાયરસને ફેલાતા અટકાવવાનો છે. અધિકારીઓએ કહ્યું છે કે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે અને તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એરપોર્ટનાં એક અધિકારીએ જણાવ્યું કે, “એરપોર્ટ પરનાં આરોગ્ય અધિકારીઓએ અમને જણાવ્યું છે કે, તેમને રાજ્યનાં આરોગ્ય વિભાગ તરફથી આદેશ મળ્યો છે કે ઇટાલી, દક્ષિણ કોરિયા, ચીન અને ઈરાનથી આવી રહેલા મુસાફરોને અલગ રાખવામાં આવે.” રાજ્ય આરોગ્ય વિભાગનાં અધિકારીઓ દ્વારા વપરાતો શબ્દ હોમ સર્વેલન્સ છે. જો કોઇ આ ચારેય દેશોમાંથી શહેરમાં આવે છે, તો તેને ઘરે 28 દિવસ દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, શંકાસ્પદને રૂમમાં રાખવામાં આવશે અને ડૉક્ટર સમયાંતરે તેનું આરોગ્ય તપાસશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોમ સર્વિંલાંસનો સમયગાળો 14 દિવસ સુધી લંબાવી શકાય છે.