એક સમયે જેમના નામ માત્રની ભારે ધાક હતી એવા ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમ હાલ ઉજાગરા કરી રહ્યા છે.
તિહાર જેલમાં કારાવાસ ભોગવી રહેલા ચિદંબરમ માથું ફાડી નાખે એવી ભયાનક દુર્ગંધ અને અન્ય તકલીફોને કારણે રાત્રે ઊંઘી શકતા નથી. એમને માત્ર એક તકિયો અપાયો છે. ભોંય પર સુવું પડે છે.
નાસ્તામાં પૌંઆ અને ચા મળે છે. જમવામાં સવાર સાંજ દાળ-ભાત, એક શાક અને રોટલી પીરસાય છે. રોટલી ચાવી શકાય એવી નહીં હોવાથી ચિદંબરમ માત્ર દાળભાત ખાઇને ચલાવે છે. તેમને જેલ નંબર સાતમાં રખાયા છે. આ જેલની ક્ષમતા 350 કેદીને સમાવવાની છે. એને બદલે અહીં 650થી વધુ કેદીઓ છે. ભયંકર ગરમી અને બફારો રહે છે. તેમને કેદી નંબર 1449 અપાયો છે.
જેલના સ્ટાફે કહ્યું હતું કે જેલમાં આવ્યા પછી ચિદંબરમે કોઇ ફરિયાદ કરી નથી કે કોઇ વધારાની સગવડો માગી નથી. એ શિસ્તબદ્ધ કેદી છે. નિર્ધારિત સમયે ઊઠે છે અને નિર્ધારિત સમયે સુઇ જાય છે. સમયસર ભોજન કરે છે. એ મોટે ભાગે પોતાની કોટડીમાં બેસીને અખબારો કે પુસ્તકો વાંચવામાં સમય પસાર કરે છે. હજુ સુધી ચિદંબરમે અન્ય કોઇ કેદી સાથે વાતચીત કરી નથી. ક્વચિત ગેલેરીમાં આવીને ટીવી પર ન્યૂઝ જોઇ લે છે.
આ જ જેલ નંબર સાતમાં જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતા યાસીન મલિકને પણ કેદ રાખવામાં આવ્યો છે. જો કે ચિદંબરમ કરતાં એની કોટડી ખાસ્સી લાંબા અંતરે આવેલી છે.