રાષ્ટ્રપતિએ નિર્ભયા ગેંગરેપ કેસના નરાધમ મુકેશ સિંહની ફાંસીની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા હવે 22મી જાન્યુઆરીએ જ ચારે નરાધમોને ફાંસીની સજા આપવામાં આવશે. આ પહેલા ચારે અપરાધીઓમાંથી મુકેશ સિંહે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને ફાંસીની સજા પર રોક લગાવવા માટેની અરજી કરી હતી. જેના કારણે નરાધમોને આપવામાં આવતી ફાંસની સજામાં ફેરફાર થાય તેવી પણ સ્થિતિનું સર્જન થયું હતું. પણ હવે રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા ચારે નરાધમો નક્કી કરેલી તારીખના રોજ જ ફાંસીના માચડે ચડશે.
નિર્ભયાના માતા પિતાના આ હતા આરોપો
દિલ્હીના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસનો ચુકાદા બાદ પણ હજુ મામલો કાયદાકીય ગુંચવણમાં અટવાયો હતો. ત્યારે નિર્ભયાની માતા પિતા નિરાશ થયા હતા. તેઓએ કેજરીવાલ પર રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે, જો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોઈ નિર્ણય નહીં આવે તો તે માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર હશે. જ્યારે માતાએ પણ દિકરીના ન્યાયની પ્રક્રિયા રાજનીતિમાં ફસાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. નિર્ભયાની માતાએ આક્ષેપ લગાવ્યો હતો કે અમારી વાત કોઈ સાંભળતું જ નથી.