શું તમે ક્યારેય પ્લાસ્ટિકનો વરસાદ જોયો છે? કે તેના વિશે સાંભળ્યું છે? જો તેનો જવાબ ના હોય તો તાજેતરમાં જ યુએસમાં થયેલા એક અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે હવે પ્લાસ્ટિકના કણો ધરાવતો વરસાદ થઇ રહ્યો છે.

આ સર્વે યુએસ જિયોલૉજીકલ સર્વે અને યુએસ ઇન્ટીરિયર ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ મળીને કર્યો છે. વૈજ્ઞાનિકો નરી આંખે પ્લાસ્ટિક ન જોઇ શક્યા પરંતુ માઇક્રોસ્કોપ અને ડિજિટલ કેમેરા દ્વારા વરસાદમાં પ્લાસ્ટિકના કણ જોવા મળ્યાં.

સર્વેમાં 90 ટકા સેમ્પલ્સમાં પ્લાસ્ટિકના કણ જોવા મળ્યાં, મોટાભાગનું પ્લાસ્ટિક ફાઇબર સ્વરૂપે હતુ. આ ઉપરાંત આ રંગબેરંગી પ્લાસ્ટિક હતુ. શહેરી ક્ષેત્રોમાં ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં વધુ પ્લાસ્ટિક મળી આવ્યું. જો કે સમુદ્ર સ્તરથી 10,400 ફૂટની ઉંચાઇ પર પહાડી ક્ષેત્રના સેમ્પલ્સમાં પણ પ્લાસ્ટિકના કણ મળી આવ્યાં.

જો કે તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ પ્લાસ્ટિક ક્યાંથી આવી રહ્યું છે પરંતુ પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ દુનિયામાં એક ગંભીર સમસ્યાનું રૂપ ધારણ કરી રહ્યો છે. આ અભ્યાસ બાદ તે સવાલ ઉભો થાય છે કે આખરે આપણી હવા, પાણી અને જમીનમાં કેટલી માત્રામાં પ્લાસ્ટિક એકઠું થયું છે.

વૈજ્ઞાનિકોએ અગાઉ વરસાદમાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ મળી આવ્યાં છે. દક્ષિણી ફ્રાંસમાં તેમણે વરસાદ સાથે પ્લાસ્ટિકના કણો પડતાં જોવા મળ્યાં છે. પ્લાસ્ટિકના ટ્રિલિયન ટુકડાઓ સમુદ્રમાં તરે છે. એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકો દર અઠવાડિયે આશરે 5 ગ્રામ પ્લાસ્ટિક ખાઇ રહ્યાં છે જે એક ક્રેડિટ કાર્ડના વજન બરાબર છે.