જમ્મુ-કાશ્મીરમાં બુધવારે લશ્કરના ખૂંખાર આતંકવાદી આસિફને ઠાર કર્યા બાદં ફરી આજે પોલીસને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવીને હથિયાર તથા ગોળા-બારુદ લઈ જતી એક ટ્રક જપ્ત કરી છે.
આ સાથે જ, પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડરની પાસે લખનપુરથી પોલીસે ત્રણ આંતકવાદી પણ પકડ્યા છે.આ આતંકવાદીઓ પાસેથી 4 એકે-56 અને બે એકે-47 રાયફલ પ્રાપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં એક મોટો હુમલો કરવાની પૂર્વ તૈયારી કરી રહ્યાં હતાં.
કઠુઆના એસએસપી શ્રીધર પાટિલે ટ્રક જપ્ત કર્યાની પુષ્ટિ કરતાં કહ્યું કે ધરપકડ કરાયેલાં ત્રણેય આતંકવાદીઓના સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે.શ્રીધર પાટિલે કહ્યું કે, ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે, જે કાશ્મીરના પુલવામા અને વડગામ જિલ્લાના છે. પ્રાથમિક તપાસ કર્યા બાદ આ મામલાના વધુ માહિતી આપવામાં આવશે.