ભારતમાં ટ્રમ્પના ચાહકોની અછત નથી પરંતુ તેલંગાનાના રહેવાસી બૂસા કૃષ્ણાની ટ્રમ્પ માટેની દીવાનગી આ બધાંથી જરાં હટકે છે. જેની તસવીરો જોઈને તમને વિશ્વાસ પણ નહીં થાય.
ઉલ્લેખનિય છે કે, તેલંગાનાના કોની ગામના રહેવાસી તિયલ એસ્ટેટ બ્રોકર બુસા કૃષ્ણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુ મોટો ફેન છે. છેલ્લાં ચાર વર્ષથી તે ટ્ર્મ્પની ભગવાનની જેમ પૂજા કરે છે. આ માટે કૃષ્ણાએ ટ્ર્મ્પની 6 ફૂટ ઊંચી મૂર્તિ પણ બનાવડાવી છે.
બુસા કૃષ્ણાને જ્યારથી ટ્રમ્પના ભારત પ્રવાસ પર આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. કૃષ્ણા આ દરમિયાન તેના ભગવાન ટ્રમ્પને મળવા ઈચ્છે છે. આ માટે તેણે મોદી સરકારની મદદ પણ માંગી છે.
જ્યારે બુસાને ટ્રમ્પ પ્રત્યેના આ અનહદ પ્રેમનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, એક દિવસ ટ્રમ્પ મારાં સપનામાં આવ્યા હતા. ત્યારથી જ હું તેમની પૂજા કરું છું. એ દિવસથી મારો પ્રેમ સપનામાં બદલાઈ ગયો છે. તેનાથી મને ખુશી મળે છે. મને બીજા દેવી-દેવતાઓની પૂજા કરવા કરતાં ટ્રમ્પની પૂજા કરવી વધારે ગમે છે.
ટ્રમ્પના દિર્ધાયું માટે હું શુક્રવારે ઉપવાસ પણ કરું છું. હું હંમેશાં મારી સાથે તેમનો એક ફોટો રાખું છું. બધાં જ કામની શરૂઆત તેમનો ફોટો જોઇને જ કરું છું.
હું ઈચ્છું છું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સારા રહે. ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવવાના છે. એટલે હું મારા ભગવાનને નજીકથી જોવા ઈચ્છું છું અને તેમને મળવા ઇચ્છું છું.
બુસા કૃષ્ણના મિત્ર રમેશ રેડ્ડી જણાવે છે કે, ટ્રમ્પ પ્રત્યેની તેની દિવાનગીના કારણે જ ગામમાં લોકો બુસાને પણ ટ્રમ્પના નામે જ બોલાવે છે. તેના ઘરને પણ લોકો ‘ટ્રમ્પ હાઉસ’ જ કહે છે. ગામના લોકો બુસાની દિવાનગી સમજે અને તેનું માન જાળવે છે. ક્યારેય કોઇએ તેની પૂજાનો વિરોધ નથી કર્યો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ તેમની પત્ની મેલાનિયા સાથે 2 દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદી સાથે એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.