પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સાથે જોડાયેલો એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મસૂદ અઝહર તરફથી લખવામાં આવેલા સ્ટેટમેન્ટને તેનો પ્રવક્તા સૈફુલ્લા વાંચી રહ્યો છે. આ ઓડિયોમાં મસૂદના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘હજી હું જીવતો છું. આખી દુનિયામાં મારા મોતના સમાચાર ચાલી રહ્યા છે. પરંતુ કોણ કેટલું જીવે છે કે મરે છે તે ઉપરવાળો નક્કી કરતો હોય છે..’
છેલ્લા ઘણા સમયથી જૈશ-એ-મોહમ્મદ તરફથી બુધવારે જ ઓડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે. આ વખતે પણ આતંકી સંગઠને ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયો જૈશના પ્રવક્તા સૈફુલ્લાહે જાહેર કર્યો છે. આ ઓડિયોમાં મસૂદ અઝહરનું લેખિત નિવેદન વાંચવામાં આવે છે. આ ઓડિયોમાં મસૂદ અઝહર તરફથી જણાવવામાં આવ્યું છે કે, “હું હજી જીવતો છું.’ સાથે જ મસૂદ અઝહરે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પણ ચેતવ્યો છે.
10 મિનિટ લાંબા ઓડિયોમાં ભારતની જેલમાં આપવામાં આવેલી યાતનાઓ અંગે પણ મસૂદ અઝહર જણાવી રહ્યો છે. એટલું જ નહીં ઓડિયોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની વર્તમાન સરકાર દબાણમાં કામ કરી રહી છે. આ ઓડિયો ચોથી માર્ચના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
ઓડિયોમાં મસૂદ અઝહર મુસ્લિમો તેમજ મદરેસા પર હુમલો ન કરવાની સલાહ આપી રહ્યો છે. સાથે જ તે લિબરલ્સને પાકિસ્તાનની મુસ્લિમ સંસ્થાઓ સામે કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી રહ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એવું નિવેદન કર્યું હતું કે તેમની સરકાર જૈશ સાથે વાતચીત કરી રહી છે. આ અંગે ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ દબાણમાં આવું નિવેદન આપી રહ્યા છે. પાકિસ્તાની સરકારે જૈશ એ મોહમ્મદ જેવું છે તેવું તેનો સ્વીકાર કરવો પડશે.