સીબીઆઈ ચીફ તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિમણૂક થઈ ગઈ. સશસ્ત્ર સીમા બલના કે. આર. ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વી. એસ. કૌમુદીનાં નામ પણ પેનલમાં હતાં પણ અંતે મોદી સરકારે જયસ્વાલ પર કળશ ઢોળ્યો. જયસ્વાલે મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકાર સામે શિંગડાં ભેરવ્યાં એ મુદ્દો તેમની પસંદગીમાં મુખ્ય ભાગ ભજવી ગયો હોવાની ચર્ચા છે.જયસ્વાલે મુંબઈ પોલીસ કમિશ્નર તરીકે કામ કર્યું છે. જયસ્વાલની ગણના ભાજપ તરફી અધિકારી તરીકે થાય છે તેથી દેવેન્દ્ર ફડણવિસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની નિમણૂક મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે થઈ હતી. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે સરકાર રચાઈ ત્યારે જયસ્વાલ પોલીસ વડા હતા.ભ્રષ્ટાચારના કારણે ઘરભેગા થયેલા અનિલ દેશમુખને ગૃહ મંત્રી બનાવાયા ત્યારે બદલીઓ મુદ્દે જયસ્વાલને દેશમુખ સાથે મતભેદો થયા હતા. જયસ્વાલે દેશમુખની વાત માનીને ટ્રાન્સફરના ઓર્ડર્સ પર સહી કરવાનો ઈન્કાર કરી દેતાં ઉગ્ર વિવાદ થયો હતો ને જયસ્વાલ સામેથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જતા રહ્યા હતા. મોદીએ તેમને સીઆઈએસએફના વડા બનાવ્યા હતા. યોગાનુયોગ દેશમુખ સામેના કેસની તપાસ હવે જયસ્વાલ કરશે.
