એનટીએ આજે યોજાનારી એન્જિનિયરિંગ એન્ટ્રસ એક્ઝામ જેઇઇ-મેઇનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિપક્ષ અને કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આવતીકાલે આ પરીક્ષા યોજાશે.
ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરકારે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે તેઓ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવા માટે મફતમાં ટ્રાન્સપોર્ટ સુવિધા પુરી પાડશે. આઇઆઇટી એલુમની વિદ્યર્થીઓએ પણ પરીક્ષાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યુ છે.
આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખિયાલ નિશાંકે તમામ રાજ્યના મુખ્યપ્રધાનોને પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને શક્ય તમામ મદદ કરવાની અપીલ કરી છે.
આઇઆઇટી, એનઆઇટી અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટીટયૂટ (સીએફટીઆઇ)માં એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન(જેઇઇ) ૧ થી ૬ સપ્ટેમ્બર સુધી યોજાશે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) ૧૩ સપ્ટેમ્બરે યોજાશે.
ઉલ્લેખનીય છે કે ૮.૫૮ લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ-મેઇન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે ૧૫.૯૭ લાખ વિદ્યાર્થીઓએ નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓને મદદ કરવા હું તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને અપીલ કરું છું. તમામ રાજ્ય સરકારો એવી વ્યવસ્થા ગોઠવે કે પરીક્ષાર્થીઓને કોઇ પણ સમસ્યાનો સામનો કરવો ન પડે. હું વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે પરીક્ષાનું સંચાલન કરનાર એજન્સીઓ પર વિશ્વાસ રાખે.