બંધ થયેલી એરલાઈન કંપની જેટ એરવેઝના સિનિયર ટેકનીશિયને ૪ માળની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ કર્મચારી કેન્સરની બીમારી અને આર્થિક તંગીથી પરેશાન હતા એમ જાણવા મળ્યું છે. ૪૫ વર્ષીય શૈલેશ સિંહે પાલઘરના નાલાસોપારા ઈસ્ટ વિસ્તારમાં આવેલી ચાર માળની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હાલમાં જ બંધ થયેલી જેટ એરવેઝ એરલાઈનના કર્મચારી સંગઠનના જણાવ્યા પ્રમાણે, મૃતક કર્મચારી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા.
જેટ એરવેઝના લગભગ ૨૨૦૦૦ કર્મચારીઓ અનેક મહિનાથી પગારથી વંચિત રહ્યા છે. એટલું જ નહીં મૂ઼ડી નહીં હોવાથી વિમાનો પણ જમીન પર ઉતારી લેવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, ‘મૃતક શૈલેશ સિંહ કેન્સરથી પીડિત હતા અને હાલના દિવસોમાં તેમની કિમોથેરાપી ચાલી રહી હતી. પ્રારંભિક તપાસમાં એવી જાણકારી મળી છે કે તેમણે બીમારીના ડિપ્રેશનના કારણએ પોતાનો જીવ આપી દીધો છે.’
જેટ એરવેઝના કર્મચારીઓએ કહ્યું હતું કે કંપનીનું કામ બંધ થયા પછી આ પ્રથમ ઘટના છે કે જેમાં કોઈ કર્મચારીએ આત્મહત્યા કરી હોય. આ મૃતક કર્મચારીનો પુત્ર પણ જેટ એરવેઝમાં જ કર્મચારી હતો.