જેટ એરવેઝના પાઈલટ્સને છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર મળ્યો નથી જેના કારણે તેઓએ ૧ એપ્રિલથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાઈલટ્સ તરફથી કંપનીના સીઈઓ વિનય દુબેને પત્ર લખીને જણાવ્યુ કે, તેઓ ૧ એપ્રિલથી હડતાલ પર ઉતરવાના છે તેમજ કંપની વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવાની ચેતવણી આપી.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એસબીઆઈ દ્વારા પાઈલટ્સની સેલરી ૨૯ માર્ચ સુધી થઈ જશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ જણાવવું પડે છે કે હજી સુધી અમારા ખાતામાં સેલરી જમા નથી થઈ. તેમજ મેનેજમેન્ટ તરફથી પણ હજી સુધી અમને કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેથી દિલ્હી અને મુંબઈના પાઈલટ્સે ૧ એપ્રિલથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
એસબીઆઈની આગેવાનીમાં નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝ કંપનીના કર્માચારીઓને ઘણા સમયથી પોતાની સેલરી નથી મળી રહી. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચર્ચા-વિચારણા કરીને એક યોજના બનાવી છે. ઈંધણના બાવમાં વધારો અને ભારે સ્પર્ધાને કારણે જેટ એરવેઝ છેલ્લા છ મહિનાથી નાણાકીય સંકટ સામે લડી રહી છે. કંપનીએ એરપોર્ટ સંચાલકો તેમજ તેલ કંપનીઓના બીલ ચૂકવવવામાં પણ મોડં કર્યું છે.