પેટાચૂંટણીમાં ભાજપના ધાર્યા કરતાં વિપરીત પરિણામો આવતાં હાઇકમાન્ડ પ્રદેશ નેતાગીરીથી ભારોભાર નારાજ છે. છ બેઠકો જીતવાનો ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો પણ જૂથવાદ અને અસંતોષને કારણે ત્રણ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કારણોસર હવે પ્રદેશ નેતાગીરી પર હારનુ ઠિકરૂ ફુટયુ છે. આ જોતાં હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. ડિસેમ્બરના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા છે. પેટાચૂંટણીના પરિણામોએ ભાજપ નેતાગીરીને ચોંકાવ્યા છે કેમ કે,ધાર્યા કરતાં પરિણામો વિપરીત આવ્યાં છે.ઠાકોર વોટબેન્ક કબજે કરવાના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેસરિયો ખેસ પહેરાવાયો પણ આખુય રાજકીય ગણિત ઉધુ પડયુ હતું.
ખુદ ભાજપના નેતાઓમાં ગણગણાટ છેકે,મંત્રીપદ આપવુ ન પડે અને પક્ષમાં આંતરિક અસંતોષ ઉભરે નહીં તે માટે દિલ્હીના ઇશારે જ અલ્પેશ ઠાકોરને હરાવવા પ્લાન ઘડાયો હતો. હાઇકમાન્ડે એક કાંકરે કેટલાંય પક્ષીઓને માર્યા છે જેમકે, ઉત્તર ગુજરાતમાં મંત્રીપદના બે દાવેદારો અલ્પેશ ઠાકોરની સાથે સાથે શંકર ચૌધરીનુ ય રાજકારણ પુરૂ કરી દેવાયુ છે.
આ તરફ, અમરાઇવાડી એ ભાજપનો ગઢ મનાય છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ બેઠક પર ૪૦ હજારથી વધુ મતોની લીડ મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ય ભાજપે ૯૫ હજાર મતોથી કોંગ્રેસને મ્હાત આપી હતી. પણ આ વખતે પેટાચૂંટણીમાં ભાજપને જીત મેળવતાં ફાંફા પડયા હતા. માત્ર ૪૫૦૦ મતોની સરસાઇ મળતાં ભાજપની આબરૂ માંડ માંડ બચી હતી. આમ,શહેરી વિસ્તારમાં કોંગ્રેસે એન્ટ્રી મારી લીધી છે.ભાજપના જૂથવાદને લીધે આ સ્થિતીનુ નિર્માણ થયુ હતું.