જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં (JNU)માં થયેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને મંગળવારે સવારે મુંબઈના ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’થઈ આઝાદ મેદાન લઈ જવામાં આવ્યા છે. સવારે 7 વાગ્યે પોલીસે તમામ વિદ્યાર્થીઓને પ્રથમ સમજાવ્યા કે, આ જગ્યા ખાલી કરી દો, કારણ કે તમારા પ્રદર્શનથી લોકોને તકલીફ થઈ રહી છે. જ્યારે વિદ્યાર્થીઓ ના માન્યા, તો તમામ લોકોને ગાડીમાં બેસાડીને આઝાદ મેદાન શિફ્ટ કરવામાં આવ્યા.
જણાવી દઈએ કે, સોમવારે સાંજે ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ ખાતે પ્રદર્શન દરમિયાન ‘ફ્રી કાશ્મીર‘ના પોસ્ટરો જોવા મળ્યા હતા. જે બાદ ત્યાં વાતાવરણ તંગ બનવાની આશંકા વધી ગઈ હતી. આથી પોલીસે કાર્યવાહી કરી છે.
JNUમાં રવિવારે બુકાનીધારી બદમાશોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. આ ઘટનાની નિંદા કરવા માટે સોમવારે વિભિન્ન સંગઠનો સાથે સંકળાયેલા સેંકડો વિદ્યાર્થીઓ, NGO અને જાણીતી હસ્તિઓએ ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે JNUમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાને વખોડી હતી.
બીજી તરફ મુંબઈમાં ચાલી રહેલા પ્રદર્શનમાં જોવા મળેલા “ફ્રી કાશ્મીર” પોસ્ટરથી રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટરની માત્ર ભાજપે જ નહીં, કોંગ્રેસના નેતાઓએ પણ આલોચના કરી છે. આ પોસ્ટર જેવું મીડિયા અને સોશિયલ મીડિયામાં આવ્યું કે, લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને રાજ્યની ઠાકરે સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, આખરે આ વિરોધ કોના માટે છે? ‘ફ્રી કાશ્મીર‘ના પોસ્ટર કેમ લાગી રહ્યાં છે? અમે મુંબઈમાં આવી અલગાવવાદી તાકાતોને કેવી રીતે સહન કરી શકીએ છીએ.