એક તરફ જ્યાં ભારતીય અર્થતંત્ર પર મંદીના વાદળ છવાયા છે અને પ્રજા સતત વધતી મોંઘવારીથી પરેશાન છે. વિદેશી રોકાણમાં પણ ઘટાડો થયો છે એમ કેટલાક બજાર વિશ્લેષકો જણાવી રહ્યા છે. ત્યારે હવે ભારતીય નાગરિકો માટે એક સારા સમાચાર આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકન ટેકનોલોજી કંપની સીએસએસ કોર્પોરેશન ભારતમાં પોતાના કારોબારમાં વિસ્તાર કરવાની તૈયારી કરી રહી છે અને આગામી વર્ષે લગભગ 1000 લોકોને નોકરી આપવાની કંપનીની યોજના છે. વિશ્લેષણ, ઓટોમેશન અને ક્લાઉડ કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરનારી કંપની હાલમાં લગભગ 4,5૦૦ લોકોને રોજગાર આપે છે. કંપનીના નોઇડા, બેંગલોર, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ઓફિસો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સીએસએસ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી મનીષ ટંડને જણાવ્યું કે,‘ગત વર્ષની સરખામણીએ વેપારમાં 25 ટકાનો વધારો થયો છે. અમે અહીં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગીએ છીએ. તેથી આગામી વર્ષે લગભગ 1000 લોકોને નોકરી આપવાની યોજના છે.’ કંપનીની નોઇડા ઓફિસમાં આશરે 100 લોકો કામ કરે છે, જે બમણા થવાની અપેક્ષા છે. આ સિવાય હૈદરાબાદ અને બેંગલુરુ જેવા સ્થળે પણ નવી નિમણૂક કરવામાં આવશે. કંપનીના વૈશ્વિક સ્તરે 7,000 કર્મચારી છે.