લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશની કમલનાથ સરકારનો મોટો ખેલ સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં પછાત વર્ગ માટે 27 ટકા અનામતને લાગું કરી દેવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી મળ્યાં બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ મંજૂરી આપી દીધી છે. 6 માર્ચે મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો કે મધ્યપ્રદેશમાં OBC માટે 14 ટકા અનામત વધારીને 27 ટકા કરવામાં આવે. આને કોંગ્રેસનો મોટો ખેલ માનવામાં આવી રહ્યો છે.
કારણકે મધ્યપ્રદેશમાં OBCની વસ્તી લગભગ 49 ટકા છે અને આવામાં કોગ્રેસને લોકસભા ચૂંટણીમાં ફાયદો મળે તેવી શક્યતા છે. જો કે, કમલનાથે 14 ટકાથી અનામત વધારીને 27 ટકા કરી છે. પરંતુ મોદી સરકાર દ્વારા ગરીબ સવર્ણોને આપવામાં આવેલી 10 ટકા અનામતને હજુ મધ્યપ્રદેશમાં લાગું કરવામાં આવી નથી. કમલનાથે આ માટે એક સમિતિ બનાવી છે અને તે આ અંગે અભ્યાસ પણ કરી રહી છે. અભ્યાસ બાદ આ રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવશે. પણ ત્યાં સુધીમાં આચાર સંહિતા લાગું થશે અને ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો લાભ મળી શકશે નહીં.