Kangana Ranaut: અભિ બોલા અભિ ફોક, વિવાદોની મલ્લિકાનો બફાટનો સિસસિલો જારી
Kangana Ranaut: ખેડૂતો પર નિવેદન આપીને ફસાઈ ગઈ કંગના રનૌત, કહ્યું- હું મારા શબ્દો પાછા લઉં છું
Kangana Ranaut: અભિનેત્રી-સાંસદ ચર્ચામાં રહેવા વારંવાર વિવાદો કરતી રહે છે
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે, ખેડૂત કાયદાને ફરીથી દાખલ કરવાની હિમાયત કરી હતી. Kangana Ranaut ના આ નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો. વિપક્ષ કોંગ્રેસે, કંગનાના આ નિવેદનને મોદી-શાહનો છુપો એજન્ડા ગણાવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ તેને કંગના રણૌતનુ અંગત નિવેદન ગણાવ્યું. આખરે કંગના રણૌતને, પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું. આ દરમિયાન CBFCએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને માહિતી આપી હતી કે, એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ ત્યારે જ રિલીઝ થઈ શકે છે જો ફિલ્મ બોડીની રિવિઝન કમિટીના સૂચનો અનુસાર અમુક કટ કરવામાં આવે. ઝી તરફથી હાજર રહેલા એડવોકેટ શરણ જગતિયાનીએ એક દસ્તાવેજ બતાવ્યો જેમાં ફિલ્મની રિલીઝ પહેલા તેમાં 11 સુધારા કરવામાં આવ્યા હતા.
સૂચિત 11 સુધારાઓમાં ફિલ્મમાં કેટલાક કટનો સમાવેશ થાય છે. હવે તે ફિલ્મ નિર્માતાઓ પર નિર્ભર છે કે, તેઓ આ સુધારા સાથે સંમત થાય છે કે તેને પડકારે છે. હવે આ અરજી પર 30 સપ્ટેમ્બરે સુનાવણી થશે. સમગ્રતઃ અભિનેત્રી અને સાંસદ Kangana Ranaut વિવાદોની મલ્લિકા તરીકે જાણીતી બની છે. અભિનેત્રીનો વિવાદો સાથેનો નાતો તેની અભિનયની કાર્કિર્દી કરતા પણ વધુ રહ્યો છે. અભિનેત્રીએ તેના અભિનયથી જેટલું લોકોના દીલમાં સ્થાન મેળવ્યું છે એથી પણ વધુ તે તેના વિવાદોને લઈને વગોવાઈ છે. કેટલાક તેની આ હરકતને પબ્લિસીટી સ્ટંટમાં પણ ખપાવે છે. કંગના સાથેના કેટલાક વિવાદો અત્રે જરૂર વાગોળવા ગમશે.
ખેડૂતો પરના કાયદા પર ટિપ્પણી, માફી માગી
કંગનાએ તાજેતરમાં જ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ ખેડૂત કાયદાને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મેં સૂચન કર્યું કે, ખેડૂતોએ રદ કરાયેલા ખેડૂત કાયદા પાછા લાવવા માટે વડાપ્રધાનને વિનંતી કરવી જોઈએ. મારા આ નિવેદનથી ઘણા લોકો નિરાશ થયા છે. જ્યારે ખેડૂત કાયદા આવ્યા ત્યારે ઘણા લોકોએ તેને ટેકો આપ્યો હતો, પરંતુ આપણા વડાપ્રધાને તેને ખૂબ જ સંવેદનશીલતાથી પાછા ખેંચી લીધા હતા. હવે હું એક કલાકાર નથી ભાજપની કાર્યકર પણ છું. આથી મારા મંતવ્યો મારા પોતાના ના હોવા જોઈએ, મારા પક્ષનું સ્ટેન્ડ હોવું જોઈએ. જો મેં મારા વિચારથી કોઈને નિરાશ કર્યા હોય, તો હું દિલગીર છુ. હું મારા શબ્દો પાછા લઉં છું.
વિવાદ બાદ બંગલો વેચી નાખ્યો
કંગના રનૌત અપકમિંગ મુવી ઇમરજન્સી વિવાદ વચ્ચે આલીશાન બંગલો વેચવાને લઇને ચર્ચામાં આવી હતી. કંગના રનૌતનો વિવાદીત બંગલો 32 કરોડમાં વેચાયો જે શ્વેતા બથીઝાએ ખરીદ્યો છે. બ્રિહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા તેનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો ત્યારે 2020 માં આ મિલકતે ધ્યાન ખેંચ્યું હતું. આ એવા સમયે બન્યું જ્યારે કંગના રનૌત મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરમાં ટીકા કરી રહી હતી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે વિવાદમાં સપડાઈ હતી.
અરપોર્ટ પર મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી
લોકસભાનાં સાંસદ બન્યાં બાદ દિલ્હી આવી રહેલાં કંગના રનૌતને મોહાલી ઍરપૉર્ટ પર સીઆઈએસએફની એક મહિલા કૉન્સ્ટેબલ દ્વારા કથિત રીતે થપ્પડ મારવામાં આવી હતી.
કુલવિન્દરકૌર નામનાં આ મહિલા કૉન્સ્ટેબલનું કહેવું હતું કે કંગનાએ ખેડૂત આંદોલનો દરમિયાન જે નિવેદનો આપ્યાં હતાં તેનાથી તેઓ નારાજ હતાં.
88 વર્ષનાં મહિલા પર અણછાજતી ટિપ્પણી
ડિસેમ્બર, 2020માં 88 વર્ષનાં મહિલા ખેડૂત મહિન્દરકૌરનો એક વીડિયો સામે આવ્યો હતો. મહિન્દર ઝૂકેલી કમર છતાં ખેડૂતોના આંદોલનનો ઝંડો લઈને પંજાબના ખેડૂતો સાથે માર્ચ કરતાં નજરે પડ્યાં હતાં. મહિન્દર કૌરની આ તસવીરને સોશિયલ મીડિયામાં શાહીન બાગ પ્રદર્શન દરમિયાન આગેવાની કરનારાં મહિલા બિલકીસ દાદી સાથે કરવામાં આવી. તે સમયે કંગના રનૌતે બિલકીસ અને મહિન્દરકૌર એમ બંનેની તસવીરોને સાથે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, “હા હા. આ એ જ દાદી છે, જેમને ટાઇમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે. અને તેઓ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.” સીઆઈએસએફની મહિલા કૉન્સ્ટેબલે દાવો કર્યો હતો કે કંગના દ્વારા આપવામાં આવેલા આ જ નિવેદનને કારણે તેઓ તેનાથી નારાજ હતા. આ આંદોલનમાં તેમનાં માતા પણ સામેલ થયાં હતાં.
રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે કે નહીં…
જુલાઈ મહીનાના સંસદના સત્ર દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવ અને મહાભારતની કથાના ચક્રવ્યૂહનો ઉલ્લેખ કર્યો હતો. કંગના રનૌતે રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું હતું કે, “તેઓ જે પ્રકારની બકવાસ વાતો કરે છે તે જોતાં તેમનો ટેસ્ટ કરવામાં આવે કે તેઓ કોઈ ડ્રગ્સ લે છે કે નહીં.” તેમણે તેમના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યું હતું.
શંકરાચાર્યની ટિપ્પણને તુચ્છ અને ક્ષુલ્ક ગણાવી
કંગના રનૌતે જુલાઈ મહિનામાં શંકરાચાર્ય ઉપર સવાલ ઉઠાવ્યા હતા. મહારાષ્ટ્રમાં રાજકીયદળોમાં ભંગાણ તથા એકનાશ શિંદના મુખ્ય મંત્રી બનવા વિશે કંગનાએ લખ્યું હતું કે, ‘રાજનેતા રાજકારણ નહીં રમે તો શું પાણીપુરી વેચશે?’ સોશિયલ મીડિયા ઍક્સ ઉપરની પોસ્ટમાં આ વિશેની એક પોસ્ટમાં કંગનાએ લખ્યું, “શંકરાચાર્યજીએ મહારાષ્ટ્રના માનનીય મુખ્ય મંત્રી વિશે ગદ્દાર, વિશ્વાસઘાતી જેવી અપમાનજનક શબ્દાવલીનો ઉપયોગ કરીને અમારાં બધાંની લાગણીઓ દુભાવી છે. શંકરાચાર્ય આ પ્રકારની તુચ્છ અને ક્ષુલ્ક વાત કરીને હિંદુ ધર્મની ગરિમાને આઘાત પહોંચાડી રહ્યા છે.” આ ટિપ્પણી પછી કંગનાના સમર્થક અને વિરોધીઓ સોશિયલ મીડિયા ઉપર બાખડી પડ્યા હતા.
1947માં ભારતને ભીખમાં સ્વતંત્રતા મળી
વર્ષ 2021માં એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન કંગના રનૌતે કહ્યું હતું કે ‘વર્ષ 1947માં ભારતને ભીખમાં સ્વતંત્રતા મળી હતી અને દેશને ખરી સ્વતંત્રતા વર્ષ 2014માં મળી.’ વાસ્તવમાં તા. 15 ઑગસ્ટ, 1947ના રોજ લાંબા સંઘર્ષ અને બલિદાનો પછી દેશને સ્વતંત્રતા મળી હતી. જ્યારે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલી વખત દેશના વડા પ્રધાન બન્યા હતા. કંગનાના આ નિવેદનને પગલે પણ ભારે વિવાદ થયો હતો.
તાપસી પન્નુ-સ્વરા ભાસ્કર બી-ગ્રૅડ અભિનેત્રી
કંગના રનૌતે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ તથા સ્વરા ભાસ્કરને બી-ગ્રૅડ અભિનેત્રી કહ્યાં હતાં. તેમની આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.
હ્રિતિક સાથેના વિવાદથી ભારે નુકશાન
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના રનૌત બોલિવૂડ માફિયા અને ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત મોટા ખુલાસા કર્યા હતા. એક્ટ્રેસે ઘણા સેલેબ્સને આડે હાથ લઈને તેમને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા. કંગનાએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેના ખરાબ અનુભવ શેર કર્યા છે. તેણે કહ્યું કે, કઈ રીતે તેની ઇમેજ ઇન્ડસ્ટ્રીમાં ખરાબ કરવામાં આવી હતી અને તેના મગજમાં ખરાબ વિચાર આવતા હતા. કંગનાએ કહ્યું કે, હ્રિતિકે કેસ કર્યા બાદ મને માત્ર 2 મહિનામાં જ 18 બ્રાન્ડ્સે કાઢી મૂકી હતી. મને ચુડેલ અને નિમ્ફોમેનિયાક (કન્ટ્રોલથી વધારે સેક્સ્યુઅલ ડિઝાયર રાખનાર મહિલા), માણસ ખાનારી બનાવી દેવામાં આવી હતી. મારાં લગ્ન કરવાના અને પરિવાર બનાવવાના વિકલ્પ જ પૂરા થઇ ગયા હતા.