ભારતની મોદી સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં ઐતિહાસિક નિર્ણય કરીને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવી ત્યારથી જ પાકિસ્તાન પરેશાન છે. આ હતાશામાં પાકિસ્તાનની સરકારે હવે “કાશ્મીર એકજૂટતા દિવસ” મનાવવા અંતર્ગત એક અઠવાડિયા કરતા વધુ દિવસો સુધી એક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં 5 ફેબ્રુઆરીને “કાશ્મીર એકજૂટતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશમાં સરકારી રજાઓ રહે છે. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની વ્યથા સ્વીકારતા હોય તેમ ટ્વીટર પર આક્રોશ ઠાલવ્યો છે.
ઈમરાન ખાને ટ્વીટમાં જણાવ્યું કે, હું ઈચ્છુ છું કે દેશ અને વિદેશમાં વસતા પાકિસ્તાનીઓ 80 લાખ કાશ્મીરીઓના સમર્થનમાં 5 ફેબ્રુઆરીએ બહાર આવે. જેમણે ફાંસીવાદી મોદી શાસને લગભગ 6 મહિનાથી 9 લાખ સૈનિકોની દેખરેખમાં રાખ્યા છે.
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયમાં એક પત્રકાર પરિષદ સંબોધવા દરમિયાન આ અભિયાન વિશે જાણકારી આપતા જણાવ્યું કે, આ અભિયાનમાં કાશ્મીરના મુદ્દાને દેશ સહિત વિદેશોમાં ઉઠાવવામાં આવશે.
કુરૈશીએ જણાવ્યું કે, આ માટેની શરૂઆત 25 જાન્યુઆરીથી થઈ જશે અને 5 ફેબ્રૂઆરી સુધી “કાશ્મીર એકજૂટતા દિવસ” સુધી ચાલશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકો, જેમાં ખાસ કરીને યુવાનોને કાશ્મીરીઓના સંઘર્ષ વિશે વાકેફ કરવાનો છે.