કોડીનારમાં હાહાકાર મચાવતી ઘટનામાં લોહાણા સમાજની માસુમ બાળાની 37 ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા અરેરાટી સાથે દિવાળીના પર્વમાં માતમ છવાઈ ગયું છે. બાળાને નિર્મમ રીતે મોતને ઘાત ઉતારવામાં આવતા કોડીનારમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. બાળા સાથે કશુંક અજુગતું થયું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોડીનારના વેપારી વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.11માં ભણતી દિકરી વિમાંશી(ઉ.16) ગઈકાલે તા.પાંચમીએ રાત્રીના 8:30 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. અડધા કલાક પછી દિકરી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બે કલાક સુધી શોધખોળ કરવા છતાં પતો નહી લાગતા પોલીસને જાણ કરી હતી. પોલીસે અને પરિવારજનોએ આખી રાત જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરી હતી પરંતુ માસુમ બાળાનો પત્તો લાગ્યો ન હતો.
આખી રાતની શોધખોળ જયારે આજે સવારે આ માસુમ બાળાનો મૃતદેહ તેના ઘરથી બે કિ.મી. દૂર બાપેશ્વર મંદિરની પાછળ જંગલની ઝાડીમાં અવાવરૂ જગ્યામાંથી મળી આવ્યો હતો. જેથી તાત્કાલિક પરિવારજનો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં લોહાણા સમાજમાં હાહાકાર મચી ગયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માસુમ બાળા સ્કૂલમાં અભ્યાસ કરતી હોય તેની સાથેના યુવકોએ તેને ઘરેથી રાત્રીનાં બોલાવી હોય તેવું મોબાઇલ કોલ ડિટેઇલ માંથી જાણવા મળી રહ્યું છે. આ બાળાનાં શરીર ઉપર અનેક ઇજાના નિશાન હોવાથી તેની ઉપર અજુગતું થયાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર હોસ્પિટલે ખસેડયો હતો. ત્યાર બાદ પરિવારજનોએ પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડવામાં આવી હતી. આ પહેલા આ માસુમ બાળાને દિપડાએ હુમલો કરીને ફાડી ખાધી હોવાનું પણ ચર્ચાય રહ્યું હતું જોકે, વન વિભાગની ટીમે બાળા ઉપર થયેલા ઈજાના નિશાનના આધારે તેની ઉપર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની વાત નકારી કાઢી હતી. આ પ્રકરણમાં પોલીસે બ્રાહ્મણ સહિત બે યુવકોની પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યુ છે. આ બનાવની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો-કાર્યકરો દોડી ગયા હતા.