રામનાથ કોવિંદને આર્મી હોસ્પિટલમાંથી દિલ્હી AIIMSમાં રેફર કરાયા છે. રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી મળેલી જાણકારી મુજબ AIIMSમાં ડોક્ટરોએ તેમની તપાસ કર્યા પછી બાયપાસ સર્જરી કરવાની સલાહ આપી છે. આ સર્જરી 30 માર્ચના રોજ સવારે કરાય તેવી સંભાવના છે. 26 માર્ચના રોજ છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિંદના પુત્ર સાથે ફોન પર વાત કરી હતી અને રાષ્ટ્રપતિની તબિયત પુછી હતી. મોદીએ રાષ્ટ્રપતિ ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી. મોદી હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદે 3 માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વેક્સિન લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સફળતાપૂર્વક દેશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવા બદલ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી.
