ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ સંચાલિકાએ વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરી માસિક ધર્મની તપાસ કરતા હંગામો થયો હતો. આ ઘટના બાદ ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો એક વીડિયા વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ભુજના કૃષ્ણસ્વરૂપદાસ સ્વામી એક કથા દરમિયાન હાજર ભક્તોને માસિક ધર્મના નિયમો અને જો માસિક ધર્મના નિયમો ન પાળ્યા તો કેવું ફળ ભોગવવું પડશે તે સમજાવે છે. સ્વામી કૃષ્ણસ્વરૂપે દાવો કરે છે કે, જો કોઈ વ્યક્તિ માસિક ધર્મમા રહેલી સ્ત્રીના હાથે બનેલો રોટલો ખાઈ લે તો તેને બીજો અવતાર બળદનો જ છે અને પત્ની રોટલો ખવડાવે તો બીજો અવરાત કૂતરીનો છે.
વાયરલ વીડિયોમાં કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, ‘હવે આ ટકોર કરવી કે ન કરવી. 10 વર્ષ પછી ટકોર કરી છે. સંતો ના પાડતા હતા આ ધર્મની સિક્રેટ વાત ન કરતા. પરંતુ કહીએ નહીં તો ખબર નથી પડતી. હવે માસિક ધર્મમાં હોય અને તમે એના હાથના રોટલા ખાઈ જાઓ. એને પણ ભાન નથી કે આ ત્રણ દિવસ આ મારો ધર્મ છે તપશ્ચર્યા છે. આની તમને કેટલી ડિટેલ વાતો કરવી. એક એક વસ્તુ શાસ્ત્રની મર્યાદિત વાતો છે આ.’
ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાંમાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરાવી માસિકધર્મ અંગે તપાસ કરવા મામલે સોમવારે પોલીસે કૉલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીગા, અનિતાબેન, નઇનાબેન અને રમીલાબેનની ધરપકડ કરી છે. આ મામલે પીડિત છાત્રાએ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે કલમ 384, 355, 506, 509, 114 અંતર્ગત ગુનો નોંધીને ચારેયની ધરપકડ કરી છે.