ભારતીય સેના 27,000 સૈનિકોને છુટા કરવા માટે વિચારી રહી છે. જેમની છટણી થઈ શકે છે તે સૈનિકો સેનાની યુધ્ધ મોરચે તૈનાત ટુકડીઓનો હિસ્સો નથી અને માત્ર સંગઠનના સ્તરે કામ કરે છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ સૈનિકોને છુટા કરવાથી સેનાના 1,600 કરોડ રૂપિયા બચશે. હાલમાં ભારતીય સેનામાં 12.50 લાખ જેટલા સૈનિકો કાર્યરત છે. હવે પ્રયત્ન એવો થઈ રહ્યો છે કે, સેનાને મજબૂત અને પ્રભાવશાળી બનાવવા માટે સંખ્યામાં કાપ મુકવામાં આવે. જેથી પગાર અને પેન્શન તરીકે ચુકવાતી રકમનો ઉપયોગ આધુનિકીકરણ માટે થઈ શકે.
હાલમાં સેનાનુ 80 ટકા બજેટ પગાર અને બીજા રોજ બરોજના ખર્ચા પુરા કરવામાં જ વપરાઈ જાય છે. એ પછી મોર્ડનાઈઝેશન માટે બહુ ઓછી રકમ બચે છે.
હાલમાં ભારતીય સેનાએ આ પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને મોકલી આપ્યો છે. ભારતીય સેનાની યોજના આવનારા સાતેક વર્ષમાં કુલ દોઢ લાખ સૈનિકોનો ઘટાડો કરવાની છે. જેનાથી વર્ષે 6,000 થી 7,000 કરોડ રૂપિયાની બચત થશે.