સુરત લોકસભાની ચુંટણી માટે મતગણતરી એસવીએનઆઈટી કોલેજ ખાતે રાખવામા આવી હતી. વિધાનસભાની ચુંટણી વખતે ભારે ઉત્તેજનાનો માહોલ હતો. જેના કારણે મત ગણતરી સ્થળે પણ કાર્યકરોની ચહલ પહલ અને દોડધામ જોવા મળતી હતી. પરંતુ લોકસભા 2019ની ચુંટણી વખતે સુરતમાં કોઈ સ્પર્ધા જ ન હોવાથી ભાજપ- કોગ્રેસ બન્ને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળતો નહોતો.
મત ગણતરી વખતે શરૂઆતથી જ એક તરફી વાતાવરણ થઈ જતાં મત ગણતરી સ્થળે કોઈ પ્રકારની ઉત્તેજના જોવા મળતી ન હતી. રાજકીય પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ ન હોવા ઉપરાંત કોઈ ઉશ્કેરાટ પણ ન હોવાથી પોલીસની કામગીરી સરળ બની ગઈ હતી.
થોડો સમય બાદ પોલીસ કર્મચારીઓ પણ આરામના મુડમાં જોવા મળ્યા હતા. કોગ્રેસના કાર્યકરો તો મતગણતરી સ્થળે ભાગ્યે જ જોવા મળતાં હતા જ્યારે ભાજપના કાર્યકરો હતા પણ તેમાં પણ જીતનો ઉત્સાહ વધુ જોવા મળ્યો ન હતો.