Lawrence Bishnoi: લોરેન્સ બિશ્નોઈની ગેંગના આ ગેગસ્ટરો જેલમાં બેસીને ચલાવી રહ્યા છે પોતાનું નેટવર્ક, ગુનાઓને આપી રહ્યા છે અંજામ
Lawrence Bishnoi: સિંગર સિદ્વુ મોસેવાલા હોય કે પછી કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડી હોય કે પછી બાબા સિદ્દીકી કે પછી સલમાન ખાન, પપ્પુ યાદવ સહિતની નામી હસ્તીઓ સામે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ગુનાઓની યાદી સતતને સતત લાંબી થઈ રહી છે. લોરેન્સ બિશ્નોઈ પોતે અમદાવાદની સાબરમતી જેલમાં છે તો એની ગેંગના મહત્વના ગેંગસ્ટરો પણ જેલમાં છે અને જેલમાં બેસીને તેઓ અનેક ગુનાઓને અંજામ આપી રહ્યા હોવાની વિગતો નેશનલ મીડિયામાં પ્રકાશિત થઈ રહી છે. લોરેન્સ ગેગના મહત્વના ગેંગસ્ટરો અંગે કેટલીક વિગતો હાથવગી થઈ છે જે અહીંયા આપવામાં આવી છે.
સંપત નેહરા
Lawrence Bishnoi: પંજાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજનો વિદ્યાર્થી સંપત નેહરા ઉર્ફે બલ્કરી કથિત રીતે 2012માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન લોરેન્સના સંપર્કમાં આવ્યો હતો. તે શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. ચંદીગઢ પોલીસ ASIના પુત્ર પર પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢમાં 65 ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, સ્નેચિંગ, કાર ચોરી, લૂંટ અને ખંડણી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. 2018માં હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેની ધરપકડ કરી હતી. હાલ તે ભટિંડા જેલમાં છે.
રોહિત ગોડારા
પોલીસના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના બિકાનેરના એક ખેડૂતનો પુત્ર રોહિત ગોડારા ઉર્ફે રાવતદાસ સિદ્ધુ મૂસેવાલા, ગેંગસ્ટર રાજુ ધીથ અને કરણી સેનાના નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સામેલ હતો. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ ઓછામાં ઓછા 30 કેસ નોંધાયેલા છે. તે આ વર્ષે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો પણ આરોપી છે. તેણે કેનેડામાં પંજાબી પોપ સિંગર એ.પી. ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હોવાનો પણ દાવો કર્યો છે.
ગોલ્ડી બ્રાર
ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા સતવિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર લોરેન્સને જેલમાં ધકેલી દેવાયા બાદ ગેંગનો લીડર હોવાનું કહેવાય છે. મુક્તસરનો રહેવાસી પંજાબ પોલીસના ASIનો આ પુત્ર 2022માં મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધા બાદ ચર્ચામાં આવ્યો હતો. તેની સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ છે અને તે કેનેડાના 25 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ છે. તેની સામે UAPAથી લઈને હત્યા, ખંડણી વગેરેના ગુના નોંધાયેલા છે.
હાશિમ બાબા
પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના ગોકુલપુરીનો રહેવાસી 42 વર્ષીય હાશિમ બાબા 2019માં તિહાર જેલમાં લોરેન્સના સંપર્કમાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે લોરેન્સ ગેંગને હથિયાર સપ્લાય કરતો હતો. તેની સામે 2018 અને 2019 માં MCOCA હેઠળ બે કેસ નોંધાયેલા છે અને તે તિહાર જેલમાંથી તેનું ઓપરેશન કરે છે.
વિક્રમજીત સિંહ
વિક્રમજીત સિંહ બ્રાર ઉર્ફે વિક્કી અરબ દેશોમાં લોરેન્સ ગેંગના કામની દેખરેખ રાખતો હતો જ્યાં સુધી યુએઈથી તેના કથિત દેશનિકાલ અને જુલાઈ 2023માં NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ગેંગના સભ્યોને ગુના કરવા માટે આર્થિક મદદ અને અન્ય વ્યવસ્થાઓ આપતો હતો. હાલ તે રાજસ્થાનની જેલમાં કેદ છે. વિકી હનુમાનગઢ જિલ્લાના ડીંગાવાલા ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર તે 2020માં દુબઈ ગયો હતો.